નારદીપુર સ્વપ્નદર્શી પર્વના અંતિમ દિવસે  નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકોનું સંમલેન યોજાયું

907

ગ્રામ સેવા મંદિર દ્વારા ત્રિદિવસીય નારદીપુર સ્વપ્નદર્શી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ પર્વના અંતિમ દિવસે રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકોનું સંમેલન યોજાયું હતું.

રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, થોડાક દાયકાઓ અગાઉ ઉત્તર ગુજરાતમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત હતી. જેમાની એક સંસ્થા તરીકે ગ્રામ સેવા મંદિર હતી. ટેકનોલોજીના યુગમાં શિક્ષણની માંગ બદલાઇ રહી છે. તેવા સમયે જ આ સંસ્થામાં વિવિધ અભ્યાસ ક્રમો અને શિક્ષણની માંગ અનુસાર શિક્ષણ આપવા માટે નારદીપુર ગામના લોકો આગળ આવ્યા છે, તે વાત પ્રસંશનીય છે. સંકલન, સંપર્ક અને ગામના વિકાસ માટે ગ્રામજનોને સતત જાગતા રહેવા અને ગામને સ્વચ્છ રાખવાની પણ અપીલ કરી હતી. આજના સમયમાં સમગ્ર વિશ્વએ રોજગારીનું કાર્યક્ષેત્ર બની ગયું છે. તેમજ બહુચરાજી નજીક મારૂતિ-સુઝીકી અને હોન્ડા જેવી કંપનનીઓના પ્લાન્ટના હિસાબે રોજગારની તકો કેવી ઉભી થઇ છે, તેની પણ દષ્ટાંત પુર્વક વાત કરી હતી.  શૈક્ષણિક સંસ્થાઓ ચારિત્ર્ય અને જીવન ધડતર કરવાનું ઉમદા કામ કરી રહી છે, તેવું કહી કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન  વલ્લભભાઇ માણેકલાલ પટેલ ( સરદાર)એ જણાવ્યું હતું કે વિશ્વમાં કોઇ એવું મંદિર નથી કે જે શિક્ષણની ગરજ સારી શકે  છે. શિક્ષણ થકી જ સમાજમાંથી કુરિવાજો દૂર કરી શકાય છે. તેમજ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. કડી સર્વ વિશ્વ વિધાલયને આગામી વર્ષ – ૨૦૨૦માં ૧૦૦ વર્ષ પુર્ણ થશે. આજે ૫૨ હજારથી વધુ બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય અમારી સંસ્થા કરે છે, તેવું ઉમદા કાર્ય ગ્રામ સેવા મંદિર કરે તેવી શુભકામાનાઓ પણ પાઠવી હતી.

એક રૂમમાં સૂતેલા બે વ્યક્તિને એક જ સરખા સ્વપ્ન આવતાં નથી, તેવું જણાવી કવિ, સાહિત્યકાર અને સનદી અધિકારી શ્રી ભાગ્યેશ જહાએ પોતે નારદીપુર ગામમાં જન્મ થવાનો ગૌરવ વ્યક્ત કરીને બાલ્યવસ્થાના સ્મરણો યાદ કર્યા હતા. તેમણે સંસ્કૃત ભાષાને દાદી, હિન્દ ભાષાને માસી, ગુજરાતી ભાષાને મા સમાન કહી અંગ્રેજી ભાષા મારી પાસે રહેતી એક રૂપાળી  સ્ત્રી ગણાવીને માતૃભાષાનું મહત્વ કેટલું છે, તેની દષ્ટાંત પૂર્વકની વાત પોતાની શૈલીમાં રજૂ કરી હતી. દુનિયાની કોઇ પણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ તેટલી ભાષાની જાણકારી હોવાની વાત પર પણ તેમણે ભાર મુક્યો હતો. જાગતા જોવાયેલા સ્વપ્ન હમેંશા સાર્થક થાય છે, તેવો ર્દઢ વિશ્વાસ વ્યક્ત કરીને સ્વપ્નદર્શી પર્વ યોજવા પાછળનો ઉમદા આશય અવશ્ય સત્ય બનશે, તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ન્યુજર્સીના કડવા પાટીદાર ઉમિયાધામના ચેરમેન વિષ્ણુભાઇ પટેલ અને ગામના અગ્રણી ર્ડા. પ્રભુદાસભાઇ પટેલે પણ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. નાયબ મુખ્ય મંત્રી  નિતીનભાઇ પટેલ અને મહાનુભાવાના હસ્તે શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સૂચિત નુતન સંકુલના નિર્માણ અંગેની ટેકનીકલ અને ઇજનેરી પ્રસ્તુતિ  અમિતભાઇ ગોટેચા, કુમારી કૃપાંશી જહા, વીર શાહ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Previous articleદુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે  સાંત્વના પાઠવતાં વનમંત્રી અને આરોગ્ય મંત્રી
Next articleતારાપુર-વટામણ-બગોદરા હાઇવે સ્થિત સાબરમતી નદી પરના પુલને બંધ કરાયો