નાણામંત્રી અરુણ જેટલીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સફળતાનો ઉલ્લેખ કરતા આજે કહ્યું હતું કે, ભવિષ્યમાં ૧૨ અને ૧૮ ટકાની જગ્યાએ એક નવા સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબની રચના કરવામાં આવશે જે આ બંને વચ્ચે રહેશે. લકઝરી અને સિન પ્રોડક્ટ્સને અપવાદ તરીકે ગણાવીને જેટલીએ કહ્યું હતું કે, અશંતઃ દેશમાં જીએસટીના ૦, ૫ અને સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબ રહેશે. તેમણે કહ્યું હતું કે, જીએસટીથી પહેલાના દોરમાં ૩૧ ટકા સુધીના ઉંચા ટેક્સ સ્લેબ હતા. આને લઇને વિરોધ પાર્ટીઓ ઉપર જેટલીએ પ્રહાર કર્યા હતા. ફેસબુક પર લખેલા પોતાના બ્લોગમાં જેટલીએ કહ્યું છે કે, તમાકુ, લકઝરી ગાડીઓ, એસી, સોડા વોટર, ોટા ટીવી, ડિશ વોશરને બાદ કરતા ૨૮ વસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાંથી દૂર કરીને ૧૨ ટકાના સ્લેબમાં મુકવામાં આવ્યા હતા. સામાન્ય વ્યક્તિને ઉપયોગમાં આવનાર સિમેન્ટ અને ઓટો પાટ્ર્સ હવે ૨૮ ટકાના સ્લેબમાં રહ્યા છે. અમારી આગામી પ્રાથમિકતા સિમેન્ટ ઉપર ટેક્સ ઓછા કરવાના છે. બીજી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ પહેલાથી જ ૨૮થી ૧૮ ટકા અથવા તો ૧૨ ટકામાં ટ્રાન્સફર થઇ ચુક્યા છે. જીએસટીના ૧૮ મહિના હેડિંગવાળા બ્લોગમાં જેટલીએ કહ્યું છે કે, ૧૮૩ વસ્તુઓ ઉપર શૂન્ય ટકા ટેક્સ છે.
૩૦૮ વસ્તુઓ ઉપર પાંચ ટકા ટેક્સ છે. ૧૭૮ વસ્તુઓ ઉપર ૧૨ ટકા ટેક્સ છે જ્યારે ૫૧૭ વસ્તુઓ ઉપર ૧૮ ટકા ટેક્સ સ્લેબ રહેલા છે. ૨૮ ટકાના ટેક્સ સ્લેબને હવે ખતમ કરવામાં આવી રહ્યો છે. જેટલીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ભારતમાં ઇનડાયરેક્ટ ટેક્સની વ્યવસ્થા દુનિયામાં સૌથી ખરાબ વ્યવસ્થા હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોને લેવી વસુલ કરવાનો અધિકાર હતો. ૧૭ ટેક્સ મુકવામાં આવતા હતા. એક કારોબારીને ૧૭ ઇન્સ્પેક્ટરોનો સામનો કરવો પડતો હતો. ૧૭ રિટર્ન્સ ભરવા પડતા હતા. ૧૭ મૂલ્યાંકન થતાં હતા. ટેક્સના દરો ખુબ ઉંચા હતા. વેટ અને એક્સાઇઝના સ્ટાન્ડર્ડ રેટ ક્રમશઃ ૧૪.૫ અને ૧૨.૫ ટકા હતા. આવી જ રીતે મોટાભાગની વસ્તુઓ ઉપર ટેક્સ ૩૧ ટકા થઇ જતો હતો. નાણામંત્રીએ કહ્યું હતું જીએસટી લાગૂ થતાની સાથે જ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તમામ ૧૭ ટેક્સ એક ટેક્સમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર દેશમાં એક બજારની વ્યવસ્થા છે. રાજ્યોની વચ્ચે હાલમાં રહેલી અડચણો ખતમ થઇ ચુકી છે. શહેરોમાં પ્રવેશ ખુલી ગયા છે. એન્ટ્રી ટેક્સ ખતમ થઇ ચુક્યા છે. રાજ્યમાં મનોરંજન ચાર્જ ૩૫થી ૧૧૦ ટકા વસુલવામાં આવી રહ્યા હતા જે ખુબ ઓછા થઇ ગયા છે. ૨૩૫ વસ્તુઓ ઉપર ૩૧ ટકા અથવા તો તેનાથી વધુનો ટેક્સ હતો. ૧૦ વસ્તુઓને બાદ કરતા તમામ ૨૮ ટકા ટેક્સ સ્લેબમાં આવી ગયા છે. ૧૦ વસ્તુઓ આનાથી પણ ઓછા ૧૦ ટકાના ટેક્સ સ્લેબમાં છે. કેટલાક ટેક્સ સ્લેબ એવી ખાતરી કરવા માટે રાખવામાં આવ્યા હતા જે કોઇ વસ્તુ પર ટેક્સ ઝડપથી ન વધે અને મોંઘવારીને કાબૂમાં લઇ શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય વ્યક્તિના ઉપયોગમાં આવતી મોટાભાગની ચીજોને ઝીરો અથવા તો ૫ ટકાના સ્લેબમાં મુકાઈ છે.