રાજસ્થાન : અશોક ગેહલોત સરકારમાં એક મહિલા મંત્રી

1007

રાજસ્થાનમાં આજે કેબિનેટની રચના કરવામાં આવી હતી. અશોક ગેહલોત સરકારના પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ હેઠળ ૨૩ ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આમાં ૧૩ કેબિનેટ અને ૧૦ રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. રાજસ્થાન કેબિનેટમાં આ વખતે મહિલાઓની અવગણના કરવામાં આવી છે. આનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, ૨૩ મંત્રીઓમાંથી એક મહિલા ધારાસભ્ય મમતા ભુપેશને જ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની સરખામણીમાં અગાઉની વસુંધરા રાજે મંત્રીમંડળમાં ચાર મહિલા પ્રધાનો હતી. આજે રાજસ્થાનમાં થયેલા કેબિનેટ વિસ્તરણમાં મમતા ભુપેશને રાજ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મમતા સિકરાય વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. અગાઉની વસુંધરા રાજે સરકારમાં કેબિનેટના ચાર મહિલા મંત્રી હતી જેમાંથી એક રાજ્યમંત્રીના હોદ્દા ઉપર હતી. રાજ્ય કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીના હોદ્દા ઉપર અનિતા ભદેલ, શિક્ષણમંત્રી તરીકે કિરણ માહેશ્વરી અને પ્રવાસ મંત્રી તરીકે કૃશનેન્દ્ર કૌર હતા. બીજી બાજુ વસુંધરાના મંત્રીમંડળમાં રાજ્યમંત્રી કમસા મેઘવાલ દલિત ચહેરા તરીકે સામેલ હતા. રસપ્રદ બાબત એ છે કે, આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૧૭૯ મહિલા ઉમેદવારો હતો જે પૈકી ૨૩ મહિલા ધારાસભ્ય હતી. આ મામલામાં રાજસ્થાનનો ઇતિહાસ રહ્યો છે જેમાં મહિલા ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે. ૨૦૦૮માં  ૨૮ મહિલા ધારાસભ્યો ચૂંટાઈ આવી હતી જ્યારે ૨૦૧૩માં ૨૫ ધારાસભ્યો ચૂંટાઈને આવી હતી. આ વખતે ૨૩ મહિલા ધારાસભ્યો ચૂંટાઈને આવી હતી. રાજસ્થાનમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી હતી. આની સાથે જ ભાજપની સત્તાનો અંત આવ્યો હતો. રાજસ્થાનમાં પાંચ વર્ષમાં સરકાર બદલાઈ જવાની પ્રથા અમલમાં રહી હતી. રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી ત્યારે અનેક વરિષ્ઠ નેતાઓ અને ટોપના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે તમામને હોદ્દા અને ગુપ્તતતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી પદને લઇને થોડાક દિવસ સુધી જોરદાર ખેંચતાણની સ્થિતિ રહ્યા બાદ આખરે અશોક ગેહલોતની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટની પસંદગી કરવામાં આવી હતી.

Previous articleસિંગલ GST રેટ પર મંત્રણા ચાલી રહી છે : જેટલીનો સંકેત
Next articleરથયાત્રા અંગેની અરજી પર તરત સુનાવણી માટે સુપ્રીમ ઇન્કાર