સુપ્રીમ કોર્ટે આજે ભાજપની એવી અરજી ઉપર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે જેમાં તરત સુનાવણી માટેની માંગ કરવામાં આવી હતી. પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં તેમની રથયાત્રા પર કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને રજૂઆત કરી હતી. વહેલીતકે સુનાવણીની માંગ કરવામાં આવી હતી પરંતુ ભાજપની માંગણીને ફગાવી દેવામાં આવી છે. રથયાત્રા ઉપર ભાજપની અરજી ઉપર વહેલીતકે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. અરજી સાથે જોડાયેલા વકીલે માહિતી આપતા કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ તેમને માહિતી આપી છે કે, મામલાની સુનાવણી લિસ્ટિંગ મુજબ થશે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં ઠંડીના દિવસોની રજા ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવ્યા બાદ આ મામલામાં હવે ટૂંક સમયમાં જ સુનાવણી હાથ ધરવામાં આવશે. ભાજપે અરજીમાં તાકિદની સુનાવણીની માંગ કરી હતી. ભાજપ બંગાળના ત્રણ જિલ્લામાં રથયાત્રા માટેની યોજના ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારના દિવસે બંગાળમાં ભાજપને ફરી એકવાર ફટકો પડ્યો હતો. કારણ કે, ગુરુવારના દિવસે કોર્ટે બંગાળમાં ભાજપની રથયાત્રાને મંજુરી આપી હતી પરંતુ શુક્રવારે કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે પોતાના ચુકાદામાં હાઈકોર્ટના જ આ નિર્ણયને ફગાવી દીધો હતો. ડિવિઝન બેંચે મામલાને ફરીથી વિચારણા કરવા માટે સિંગલ બેંચને મોકલી દીધો હતો. આના કારણે ભાજપની સૂચિત રથયાત્રા ફરી એકવાર અટવાઈ પડી હતી. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈકોર્ટનું સિંગલ બેંચના આદેશને ડિવિઝન બેંચમાં પડકાર ફેંક્યો હતો. ચીફ જસ્ટિસ દેવાસીસ કારગુપ્તા અને જસ્ટિસ સમ્પા સરકારની ડિવિઝન બેંચે કેસને પરત સિંગલ બેંચને મોકલી દઈને રાજ્ય સરકારની એજન્સીઓના ઇનપુટને ધ્યાનમાં લેવા કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, બંગાળમાં સૂચિત રથયાત્રાને હાઈકોર્ટે ગયા ગુરુવારે લીલીઝંડી આપી હતી.