ભારતના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તે પોતાની લય અને પલટવાર કરવાની માનસિકતા સાથે બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી નહીં પરંતુ બેવડી સદી ફટકારી શકે છે. રહાણેએ અત્યાર સુધી બે ટેસ્ટમાં બે અડધી સદીની મદદથી ૧૬૪ રન બનાવ્યા છે, પરંતુ ગત વર્ષે કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ સદ ફટકાર્યા બાદ ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે.
૩૦ વર્ષના રહાણેએ કહ્યું, મને વિશ્વાસ છે કે, આ મેચમાં આમ થશે. હું જે રીતે બેટિંગ કરી રહ્યો છું, એડિલેડથી પર્થ સુધી, મારી પલટવાર કરવાની માનસિકતા હતી અને હું લયમાં બેટિંગ કરી રહ્યો હતો, લગભગ સદી કે બેવડી સદી ફટકારી શકુ છું. તેણે કહ્યું, મને લાગે છે કે, મારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ તે છે કે, હું આ વિશે ન વિચારૂ. મારે તે પ્રકારે બેટિંગ કરવી પડશે, જે રીતે હું કરી રહ્યો છું. હું સ્થિતિને સારી રીતે સમજી શકુ છું અને હું આ રીતે બેટિંગ કરીશ તો ટીમ માટે સારૂ રહેશે. વ્યક્તિગત સિદ્ધિઓ બાદમાં મેળવી શકાય છે.
રહાણેએ કહ્યું કે, જો વિદેશોમાં સતત જીત મેળવવી છે તો બેટિંગ યુનિટે બોલિંગ યુનિટને વધુ સહયોગ કરવાની જરૂર છે.