વાઈબ્રન્ટ ગુજરાત સમિટમા દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, ધોલેરા જીૈંઇ, માંડલ-બેચરાજી જીૈંઇ, પીસીપીઆઈઆર, ગિફ્ટ સિટી, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, ડ્રીમ સિટી, બૂલેટ ટ્રેન સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગુજરાતની શાન બનશે. નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૨૦૨૨ સુધીનો ગુજરાતના વિકાસ માટેનો રોડમેપ સમગ્ર વિશ્વ સમક્ષ રજુ કરવા માટે ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક’ના પ્રણેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોડ મુકી છે. તેનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨’ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીએ જે સપનું સેવ્યું છે. એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે.
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આ ઈવેન્ટ યોજાશે. વિશ્વભરના ઉદ્યોગકારો અને રોકાણકારો ઉપરાંત વ્યુહ રચના કારોને સંયુક્ત રીતે રાજ્યમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવિ તકો વિશે આ સેમિનારમાં માહિતી પૂરી પાડવામાં આવશે.
ગુજરાતના જે યુવા ઉદ્યોગકારો આજે પોતાની કંપનીને નવી ઉંચાઈઓ ઉપર લઈ જઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ તેમજ ઈનોવેશનના માધ્યમથી સફળતાની નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. તેમને પણ આ ‘ફ્યુચરિસ્ટિક’ કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ લોકો સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડવામાં આવશે. આ ઇવેન્ટ દરમિયાન ‘ડિસ્કવરીંગ ગુજરાત’ થીમ પર ઉદ્ઘાટન સત્ર સાથે બે કલાકનું સત્ર યોજાશે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ દ્વારા ગુજરાતના ઈતિહાસ, ઔદ્યોગિક પરિવર્તન અને વાયબ્રન્ટ યુગની સીમાચિહ્મરૂપ સિદ્ધિઓ વિશે વાત કરશે. એટલું જ નહીં વર્ષ – ૨૦૨૨ સુધીમાં ગુજરાતની વૈશ્વિક સ્તરે નોંધ લેવાય તેવા, ગુજરાતની ઓળખ બની રહેશે તેવા મહત્વપૂર્ણ મેગાઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન પ્રોજેક્ટની સ્થિતિ સંદર્ભે પણ દ્વિત્રીય સત્રમાં વાર્તાલાપ યોજાશે.
ગુજરાત માટે આગામી સમયમાં મહત્વરૂપ બનવા જઇ રહેલાં દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, ધોલેરા સર તેમજ ધોલેરા સર ખાતે વિકસાવવામાં આવી રહેલો વિશ્વનૌ સૌથી મોટો એવો પાંચ ગીગા વોટનો સોલાર પાર્ક, માંડલ-બેચરાજી સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજન, પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રીજન (પીસીપી આઈઆર), ગુજરાત ઈન્ટર નેશનલ ફાયનાન્સિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી), સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, બૂલેટ ટ્રેન, ડ્રીમ સિટી સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો આ સત્રમાં સમાવેશ થાય છે.
વર્ષ – ૨૦૨૨ સુધીમાં આવા તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે તેવો અંદાજ છે. જેનાથી સામાજિક આંતરમાળખાકીય સુવિધા ક્ષેત્રે એક નવા જ ગુજરાતનું નિર્માણ થશે જે વાતની અહીં ત્રીજા સત્ર ‘સ્ટ્રોંગ ફાઉન્ડેશન’ પ્રસ્તુતિ કરાશે.
આ ઉપરાંત આ સેમિનારમાં ગુજરાત અને ભારતના યુવા ઉદ્યોગસાહસિકો આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાના ભાવિ વિકાસના રોડમેપને રજૂ કરશે.
આ સેમિનારમાં શરૂઆતમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી ભારતમાં રોકાણની શ્રેષ્ઠ તકો માટે વૈશ્વિક ગેટવે તરીકે ઉભરી રહેલાં ગુજરાતની બ્લુપ્રિન્ટ સ્પ્રિન્ટ-૨૦૨૨માં રજૂ કરશે.
આ સેમિનારમાં વક્તા તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર, સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કેશવ વર્મા, અરવિંદ લમિટેડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર કુલીન લાલભાઈ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારે ‘ગુજરાત સ્પ્રિન્ટટુ ૨૦૨૨’ ના આયોજન માટે ટીમની રચના કરી છે, જેમાં ટી નટરાજન, મેનેજિંગ ડિરેક્ટર (જીએસપીસી) અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારનો સમાવેશ થાય છે.