ચાણસ્મા તાલુકામાં દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રુપિયા ૬૮૦૦ ના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેથી તાલુકા મથકે જમીનના ઉતારા મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.
જ્યારે બીજી બાજુ ગ્રા.પં.માં સ્ટેશનરીના અભાવે તેમજ નેટવર્કની ખામીને કારણે ઉતારાની કામગીરી સ્થગિત થઈ જવાથી ખેડૂતોને કચેરીના ચક્કર કાપવા મજબુર બનવું પડયું છે.
ચાલુ સાલે વરસાદ ન પડવાને કારણે ચાણસ્મા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરાયો છે. પરંતુ સરકાર દ્વારા અગાઉ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ ખેડૂતોની રજુઆતને પગલે તાલુકાના અછતગ્રસ્ત ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૃા. ૬૮૦૦ પ્રમાણે સહાય આપવાનો આદેશ મહેસુલ વિભાગ દ્વારા કરાયો છે.
પરંતુ આ તાલુકામાં આવેલી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં જમીનના ઉતારા સહિત અન્ય સ્ટેશનરી મામલતદાર કચેરી દ્વારા પહોંચાડવામાં આવી નથી તેવી બુમરાણ ઉઠી છે અને કેટલાક અંતરિયાળ ગામોમાં નેટવર્કની ખામીને કારણે તાલુકાના મોટાભાગના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં લાંબા થવાની ફરજ પડી છે.
જમીનના ઉતારા મેળવવા વહેલી સવારથી જ શિયાળાની કડકડતી ઠંડીમાં મામલતદાર કચેરીમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે અને સાંજ સુધી ખડેપગે લાઈનમાં ઉભા રહેવાની નોબત આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જાણવા મળે છે તે મુજબ કેટલીક ગ્રામ પંચાયતોમાં વીસીઈની નિમણુંક કરવામાં નહીં આવતા ઉતારાની કામગીરી થઈ શકતી નથી. તેમજ તાલુકાના તલાટીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે. એકબાજુ કુદરતનો પ્રકોપ અને બીજી બાજુ વહીવટી તંત્રની નિષ્ફળતાનો ભોગ આ તાલુકાનો ખેડૂત બની રહ્યો છે.