શાળાના વિદ્યાર્થીઓ ભરેલી બસનો ગોધરા પાસે અકસ્માત, એકનું મોત, અનેક ઘાયલ

691

અમદાવાદના નારોલની શાળાના બાળકો ભરેલી બસને પંચમહાલના ગોધરાના પરવડી પાસે અકસ્માત નડ્‌યો. આ અકસ્માતમાં જો કે સદનસીબે વિદ્યાર્થીઓ હેમખેમ છે પરંતુ બસના ક્લિનરનું મોત થયું છે. ૨૦ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

મળતી માહિતી મુજબ પંચમહાલના ગોધરાના પરવડી પાસે આ અકસ્માત થયો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્‌યો. પ્રાથમિક જાણકારી મુજબ ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. શાળાના વિદ્યાર્થીઓને મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે પ્રવાસે લઈ જવાયા હતાં અને ત્યાંથી પરત અમદાવાદ આવતા ગોધરા પાસે આ અકસ્માત થયો. ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ક્લિનરે અચાનક બહાર છલાંગ લગાવી હતી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જો કે હવે હાલત સુધારા પર છે.

હાલ અમદાવાદ ની વિવેકાનંદ હિન્દી હા.સે. સ્કૂલ દ્વારા અન્ય બસ ગોધરા ખાતે મોકલવા માં આવી છે. જે બસમાં વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. ગોધરા પોલીસ ડ્રાઈવરની બેદરકારી અંગે પણ તપાસ કરી રહી છે. એવી પણ જાણકારી મળી છે કે સ્કૂલ બસની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ તેમાં સવાર હતાં. બસમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૦ ઉપરાંત શિક્ષકો મળી કુલ ૮૫ જેટલા લોકો સવાર હતાં.

ત્રણ દિવસ અગાઉ જ ડાંગના મહાલ-બરડીપાડા માર્ગ પર સુરતના અમરોલીના ૮૨ વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક બસ ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ૧૦ વિદ્યાર્થીઓના મોત થયા હતાં. બસમાં સુરતના અમરોલીમાં ચાલતા ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થીઓ હતા. અમરોલીમાં આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં ૭ નંબરના ફ્‌લેટમાં આ ક્લાસ ચાલતા હતા. નીતા બહેન પટેલ નામની મહિલા આ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. અને નીતા બહેન પોતે જ વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ પર ગયા હતા.

Previous articleચાણસ્મામાં નેટવર્કની ખામીને લીધે ઉતારાની કામગીરી સ્થગિતઃખેડૂતોની લાંબી લાઈનો
Next articleગુજરાત સરકાર સંસ્કૃત બોર્ડ બનાવશે, SC અને HSC ભણતા વિદ્યાર્થીઓ હવે સંસ્કૃતમાં ડિગ્રી મેળવશે