રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપી. આ દરમિયન અનેક ખેડૂતોને નાની મોટી સહાય કરવામાં આવી.
આ સંમેલન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જે જે યોજનાઓ અમલી છે અને કામગીરી કરવામાં આવી તે અંગે વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોની આવક બમણી કરવી એ રાજ્ય સરકાર અને કેન્દ્રની ભાજપની સરકારનું મહત્વનું વિઝન છે. ખેડૂતોને સમયસર સારૂ બિયારણ જોઈએ, ખાતર જોઈએ, પાણી અને વીજળી જોઈએ, યુરીયા જોઈએ જે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.
ખેડૂતોની જરૂરિયાતો અને તે માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયત્નો પણ તેમણે જણાવ્યાં. તેમણ કહ્યું કે ખેડૂતને ઝીરો ટકા વ્યાજે લોન, પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, ખેડૂત વીજળી વેચતો થાય, ટેકાના ભાવથી ખરીદી થાય, ખેડૂતને પૂરતા ભાવ મળે, ખેડૂતને સારું બિયારણ, ખાતર મળે તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યાં છે. ખેડૂતોને ટ્રેક્ટરની સહાયતા, કાંટાળી વાડની મદદ કરાઈ રહી છે. સીએમ રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ખેડૂતો કેવી રીતે આવક બમણી કરી શકે.
’હવે સરકારે નક્કી કર્યું છે કે ખેડૂત વીજળી ખરીદનારો નહીં પરંતુ વેચનારો બને. ખેડૂત પોતે વીજળી ઉત્પન્ન કરે. એટલા માટે સરકારે સ્કાય યોજનાને આજે લોન્ચ કરી દીધી છે. સરકારે ટ્રાયલ બેઝ પર કામ શરૂ કરી દીધુ છે. જેમાં સૂર્ય ઉર્જા માટે ખેતરમાં જ સોલર પેનલ લાગે.
સવારે સૂર્ય ઉગે અને આથમે એટલે કે લગભગ ૧૨ કલાક એમાંથી વીજળી ઉત્પન્ન કરે. પોતાને જરૂર હોય એટલી વીજળી વાપરે અને પોતાને જરૂર ન હોય એટલી વીજળી સરકારને વેચી દે. સરકાર તેના પૈસા આપશે. ખેડૂતને ખરા ઉનાળામાં તો ઓછી વીજળી વાપરવાની હોય છે કારણ કે ઉનાળુ પાક ઓછા લેવાય છે. ત્યારે વીજળી ખુબ ઉત્પન્ન થાય અને એ વીજળી સરકારને વેચે.’