રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ ૧૫૬ ખેડૂતોને નાની મોટી ખેત સહાયનું વિતરણ કર્યું હતું. આ દરમ્યાન રૂપાણીએ ખેડૂતો માટે અનેક નાની મોટી જાહેરાતો કરી હતી. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ પાક વીમાની ચુકવણી અંગે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા આપવામાં આવશે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પાકવીમાની ચૂકવણીનો પ્રારંભ કરાશે. આ ઉપરાંત અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ ઇનપુટ સબસિડી પણ ચુકવવામામં આવશે. સાથે જ ૫૧ તાલુકાઓમાં ઘાસની સબસિડી પણ આપવામાં આવી રહી છે.
વિજય રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું કે જે તાલુકાઓમાં ૩૫૦ મીલી મીટરથી ઓછો વરસાદ પડ્યો છે તે તમામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાના આશરે ૨૪ લાખ જેટલા ખેડૂતોને સરકાર રૂ. ૨૨૮૫ ઇનપુટ સબસિડી આપશે. રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ૨૩.૨૪ લાખ ખેડૂતોને ૪૦.૩૨ લાખ હેક્ટર માટે અંદાજે ૨૨૮૫.૫૯ કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતર ફરતે કાંટાળી વાળ માટે સરકાર ૫૦% સહાય ચુકવી રહી છે. એટલું જ નહીં ૫૧ તાલુકામાં સરકારે ઘાસ માટે સબસિડી આપી રહી છે.
રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે નર્મદા યોજનામાં અનેક રોડાઓ નાંખવામાં આવ્યા. સૌરાષ્ટ્રના ખેડૂતને પાણી-વીજળી અપાઈ. નરેન્દ્રભાઈએ નર્મદાના પાણી ખેડૂતો સુધી પહોંચાડ્યા. આગામી વર્ષ સુધીમાં સૌની યોજનાનું કામ પૂર્ણ કરીશું. તદઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠુ કરવાના પ્લાન્ટ કાર્યરત થશે. દરિયાનું પાણી પણ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે.
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરાઈકિસાન સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે કે આ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે હાલની ખેતીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરવામાં આવી છે
અકસ્માતે ખેડૂત ના મૃત્યુ ના કિસ્સામાં ૧ લાખની સહાય ૨ લાખ કરવામાં આવી છેકાયમી પંગુતા ના કિસ્સા માં ૫૦ હજાર સહાય ના ૧ લાખ કરવા માં આવ્યા હોવાનુ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આવી કુલ સહાય ૩.૮૫ કરોડ અકસ્માત વીમા સહાય રાજ્ય સરકારે અત્યાર સુધીમાં આપી છે.
કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને લંગડી વીજળી મળતી હતી. કોંગ્રેસના શાસનમાં લોનનું ૧૮ ટકા વ્યાજ લેવાતું. જ્યારે અત્યારે સરકાર ૭ ટકા લેખે લોન લઈ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે આપે છે. કેબિનેટે ટેમ્પરરી રૂ.૫૦૦ કરોડ વ્યાજ પેટે ફાળવ્યા છે.