વિવિધ સ્પોર્ટસ્ ક્ષેત્રે નામના ધરાવતી ગાંધીનગરની અગ્રણી સંસ્થા “પ્રતિભા એકેડેમી” દ્વારા “ગાંધીનગર ઈન્ટર સ્કૂલ આર્ચરી કોમ્પીટીશન-૨૦૧૮”નું ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું.
ખેલ મહાકૂંભ સહિત ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવેલ છે તે આર્ચરીની રમતની “પ્રથમ ગાંધીનગર ઈન્ટર સ્કૂલ આર્ચરી કોમ્પીટીશન”માં વિવિધ સ્કૂલોના ૮૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીનીઓને ભાગ લઈ બહેનો પણ આ ક્ષેત્રે આગળ છે તે પ્રસ્થાપિત કરેલ.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના ઈલેક્ટ પ્રેસીડન્ટ ડૉ. અંકુર પરમાર તેમજ સેક્રેટરી પાર્થ ઠક્કર દ્વારા ખુલ્લી મૂકાયેલ. સ્પર્ધા બાદ યોજાયેલ સમારોહમાં પ્રતિભા એકેડેમીના સ્થાપક ગૌરાંગ રાણા દ્વારા શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનોને આવકારતા આ ટૂર્નામેન્ટના હેતુથી સૌને વાકેફ કરાયા હતા.
ગુજરાત સરકારના રીટા. સનદી અધિકારી તેમજ હાલમાં ભારત સરકારના હુડકોના ઈન્ડ. ડાયરેક્ટર એસ. કે. નંદા દ્વારા પ્રતિભા એકેડેમીના આ પ્રયાસને બિરદાવતા આર્ચરીની રમત તેમજ તેની સ્પર્ધા દ્વારા બાળકોમાં વિવિધ કૌશલ્યોને વિકાસ થાય છે તેમ જણાવેલ. આર્ચરીની રમતમાં એકાગ્રતા, વિચારશક્તિ તેમજ શરીરના સંતુલનની જરૂર પડતી હોવાથી આ ગુણોનો પણ રમતવીરોમાં વિકાસ થાય છે જે વિદ્યાર્થી જીવનમાં ખૂબ જરૂરી બાબત છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવત દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સંસ્થાના સંચાલકોને બિરદાવીને આવી સ્પર્ધાના આયોજન બદલ અભિનંદન પાઠવેલ. ઉપસ્થિત મહાનુભાવોનો હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે અનન્ય સ્કૂલ અને દ્વિતીય સ્થાને હિલવૂડ સ્કૂલ વિજેતા બનેલ.