રાજયભરમાં આજે પ્રભુ ઇસુના જ્ન્મદિન એવા નાતાલના તહેવારની ખ્રિસ્તી ભાઇ-બહેનોએ ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી એકબીજાને મેરી ક્રિસમસ-હેપ્પી ક્રિસમસ કહી નાતાલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદ શહેર સહિત રાજયભરના ચર્ચ નાતાલના પર્વને લઇ ખાસ પ્રકારે ફુલો અને રંગબેરંગી રોશનીઓ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી ભાઇ-બહેનોએ ક્રીપ-ગભાણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. નાતાલના તહેવારને લઇ આજે શહેર સહિત રાજયભરના ચર્ચમાં ખાસ પરમપૂજાનું પણ આયોજન કરાયું હતું. ખ્રિસ્તી સમાજના પવિત્ર તહેવાર એવા નાતાલના પર્વને લઇ આજે વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના ભાઇ-બહેનોમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. સૌકોઇએ નવા કપડા પહેરી તૈયાર થઇ નાતાલની તૈયારી કરી હતી. સૌપ્રથમ તો ખ્રિસ્તી ભાઇ-બહેનો પોતપોતાના વિસ્તારના નજીકના ચર્ચમાં પરિવાર સાથે પહોંચ્યા હતા અને ત્યાં પ્રભુ ઇસુના જન્મદિન નિમિતે પ્રભુના ખાસ દર્શન કરી પ્રાર્થના કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ખ્રિસ્તી સમુદાયના લોકોએ એકબીજાને નાતાલના પર્વની શુભેચ્છા પાઠવી હતી. શહેર સહિત રાજયના તમામ ચર્ચમાં કરોલ સીંગીંગ અને નાતાલના ગીતોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગભાણની રચના, પ્રભુ ઇસુના બાળસ્વરૂપ સહિતના આકર્ષણો સાથે આજે ખાસ પ્રકારે ચર્ચને સજાવવામાં આવ્યા હતા, જે ખરેખર મન મોહી લેતા હતા.નાના બાળકોને સાન્તા કલોઝની જીંગલ બેલ અને ગીફ્ટને લઇ મજા પડી જતી હોય છે, તેથી નાતાલને લઇ તેમની તો ખુશી જ કંઇક ઔર હોય છે. નાતાલના તહેવારને લઇ ખ્રિસ્તી ભાઇ-બહેનોએ પોતપોતાના ઘરોમાં ક્રિસમસ ટ્રી, સ્ટાર, ઝળહળતી રોશની સહિતના આકર્ષણો લગાવી પરિવારજનો અને મહેમાનોને નાતાલના તહેવારની શુભેચ્છા પાઠવી હતી.
ખ્રિસ્તી ભાઇ-બહેનોએ મેરી ક્રિસમસ કહી એકબીજાને નાતાલની શુભેચ્છા પાઠવી હતી, તો, મોબાઇલ પર વોટ્સ અપ, ફેસબુક સહિત સોશ્યલ મીડિયા મારફતે મેરી ક્રિસમસ કહી તહેવારની શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભુ ઇસુનો જન્મ પ્રેમ, શાંતિ, દયા અને માફીનો સંદેશો લઇને આવે છે અને બધાને પ્રેમ, શાંતિ અને ભાઇચારાથી જીવન જીવવાનું શીખવાડે છે. નાતાલને લઇ સમગ્ર ખ્રિસ્તી સમાજમાં આજે ભારે ખુશી અને હર્ષોલ્લાસનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.