છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના કેબિનેટ મંડળની રચના મંગળવારે થઈ ચૂકી છે. બઘેલ સરકારની કેબિનેટમાં ૯ અન્ય મંત્રીઓ સામેલ થયા છે. રાયપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે તમામ નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. જો કે આ પહેલા ૧૭ ડિસેમ્બરે બઘેલે મુખ્યમંત્રી પદ માટે લીધી હતી. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટી.એસ. સિંહદેવ અને તામ્રધ્વજ સાહુએ મંત્રી પદના શપથ લીધા હતા.પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે બઘેલે પોતાની પાર્ટીના રાજ્યના નેતાઓ સાથે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને મંત્રીઓના નામને અંતિમ સ્વરૂપ આપ્યું હતું તેમણે કહ્યું કે પાર્ટીએ કેબિનેટમાં બધા સમુદાયોના નેતાઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. લગભગ બધા વરિષ્ઠ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કેબિનેટને અંતિમ રૂપ આપવામાં ૧૧ લોકસભા ક્ષેત્રો ઉપરાંત ૨૦૧૯ની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.જણાવાઇ રહ્યું છે કે શપથ ગ્રહણ પછી મંત્રીઓના વિભાગો નક્કી કરાશે. રાજ્યમાં વિધાનસભાની ૯૦ બેઠકો છે. તેમાંથી ૬૮ બેઠકો જીતીને કોંગ્રેસે અહીં પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી છે.
બીજી તરફ સતત ૧૫ વર્ષ સુધી સત્તારૂઢ ભાજપના ખાતામાં માત્ર ૧૫ બેઠકો જ આવી છે.
રવિન્દ્ર ચૌબે, પ્રેમસાય સિંહ ટેકામ, મોહમ્મદ અકબર, શિવ ડહરિયા, કવાસી લખમા, ઉમશે પટેલ, ગુરુ રુદ્રકુમાર, અનિલ ભેડિયા, જય સિંહ અગ્રવાલ.
શપથ ગ્રહણ સમારોહ પહેલા કેબિનેટમાં સામેલ ન કરવાને લઇને કોંગ્રેસના એક ધારાસભ્યએ પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિતેશ શુક્લાએ કહ્યું કે મને જાણવા મળ્યું છે કે શપથ લેવા જઇ રહેલા લોકોની યાદીમાં મારું નામ નથી. ગત ત્રણ પેઢીથી મારૂં કુટુંબ નેહરુ-ગાંધી પરિવાર સાથે જોડાયેલું છે. હું તેમને પાસેથી હંમેશાં ન્યાયની આશા રાખું છું.
ભૂપેશ બઘેલે મંત્રિમંડળની રચના કરતાની સાથે જ કોંગ્રેસમાં બળવાખોરી થઈ છે. રાજીમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા નેતા અમિતેશ શુક્લાએ મંત્રીમંડળમાં સ્થાન નહી મળવા સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છે કે હું ગાંધી પરિવાર સાથે ત્રણ પેઢીથી જોડાયેલો છું.મને ન્યાય મળવો જોઈએ.
અપેક્ષાઓથી વિપરિત અમિતેશ શુક્લાનુ નામ નહોતુ. અમિતેશ શુક્લા ચૂંટણી જીત્યા પછી દિલ્હીમાં હતા અને રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના મોટા નેતાઓને મળ્યા હતા.છતા તેમને મંત્રીમંડળમાં જગ્યા મળી નથી.