રાજય સરકાર દ્વારા ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં જેમાં વરસાદ ૪૦૦ મીમીથી ઓછો થયો છે તેને અછતગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને પ્રત્યેક હેકટર દીઠ વરસાદના પ્રમાણમાં અલગ અલગ રૃપિયાની સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે.
વધુમાં વધુ બે હેકટર સુધીની આ સહાય સીધી ખેડૂતોના ખાતામાં જશે. ગાંધીનગર જિલ્લાના ચારમાંથી ત્રણ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તે પૈકી દહેગામને અછતગ્રસ્ત જાહેર કરાયો નથી.જેથી દહેગામના ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહયો છે.
ગાંધીનગર જિલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તેવા સમયે માત્ર દહેગામ તાલુકાને જ કેમ અછતગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો તેવા પ્રશ્નો સાથે ખેડૂતોમાં અસમંજસતા ઉભી થઈ છે. દહેગામ તાલુકાના ખેડૂતો પાસે હાલ ખેતી કરવા પર્યાપ્ત પાણી ઉપલબ્ધ નથી. અધુરામાં પુરુ નર્મદામાંથી આપવામાં આવતું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
થોડા દિવસો અગાઉ પાણી અને દૂધ ઉત્પાદકોના પ્રશ્નોને લઈ એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દહેગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે નીતિનભાઈ પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ માટે જિલ્લા કલેકટર સાથે પણ વાતચીત થઈ હતી કે દહેગામ તાલુકાને કેમ બાકાત રાખવામાં આવ્યો છે.
આ મુદ્દે ચર્ચા થતાં નીતિનભાઈએ જણાવ્યું હતું કે અછતગ્રસ્ત જાહેર કરવામાં જે વરસાદની માત્રા હોય છે તેમાં દહેગામ આવતું નથી. દહેગામ શહેરમાં વધુ વરસાદ પડવાથી તાલુકા આખો વંચિત રહયો છે. જો શકય હશે તો દહેગામને પણ આવરી લેવામાં આવશે અને આ મુદ્દે નીતિનભાઈ પટેલને મળવાના છીએ. હવે વાત જે હોય તે પણ હાલ તો દહેગામ તાલુકાના ખેડૂતો પાણી વગર પીસાઈ રહયા છે. દહેગામના ખેડૂતોનો એક જ અવાજ છે કે અછતગ્રસ્ત જાહેર કરો અથવા પાણી આપો. હવે સરકાર દહેગામના ખેડૂતોની વાત કાને લે છે કે કેમ તે જોવું રહયું.