ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સ્પેલના લીધે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટેસ્ટમાં નાટકીય વળાંક આવ્યો હતો. ન્યુઝીલેન્ડ ૨૩૧રનમાં ૨ વિકેટ ગુમાવી ૩૦૫ રનની લીડ સાથે મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ દિવસના અંતે ન્યૂઝીલેન્ડના સ્કોરથી ૯૦રન પાછળ રહેલ લંકાએ બીજા દિવસના પ્રથમ સેશનમાં ૧૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. બોલ્ટે પોતાના કરિયરની ૭મી પાંચ વિકેટ હોલ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે પોતાના કરિયરની ૭મી પાંચ વિકેટ હોલ લઈને એકલા હાથે કિવિઝને મેચમાં વાપસી કરાવી વિનિંગ પોઝિશનમાં લાવી દીધું છે. તેણે ૧૫ બોલના ગાળામાં ૬ વિકેટ લઈને લંકાને મેચની બહાર કરી દીધું છે. તેણે રોશન સિલ્વા અને નિરોશન ડિકવેલાને સ્લીપમાં કેચઆઉટ કરાવ્યા હતા જયારે અંતિમ ચાર પૂંછડિયા બેટ્સમેનને એલબીડબ્લ્યૂ આઉટ કર્યા હતા. લંકાના અંતિમ ચાર બેટ્સમેન ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત થયા હતા. લંકાના ધબડકા બાદ ન્યુઝીલેન્ડે ૭૮ રનની લીડનો ફાયદો ઉઠાવતા લાજવાબ બેટિંગ કરી તેમને મેચમાં પાછો ફરવાનો કોઈ મોકો આપ્યો ન હતો. જીત રાવલ અને ટોમ લેથમે ૧૨૧ રનની ઓપનિંગ ભાગીદારી કરી સંગીન શરૂઆત આપી હતી.