બાળ આરોપી સહિત ૬ને આજીવન કેદ, નવા જૂવેનાઈલ એક્ટ અંતર્ગત દેશમાં પહેલીવાર સજા

729

વટવામાં ૨૦૧૬માં મોબાઇલ ફોન બાબતે યુવકની હત્યા થઇ હતી. જેમાં એક બાળ આરોપી સહિત કુલ ૬ આરોપીને સ્પેશિયલ કોર્ટના જજ આર.કે. ચૂડાવાલાએ આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હીના નિર્ભયાકાંડ બાદ સગીર ગુનેગારને સજા માટેના જુવેનાઈલ એક્ટમાં સુધારો કરાયો ત્યારબાદ દેશમાં બાળ આરોપી સામે પ્રથમ જજમેન્ટ છે. કોર્ટે બાળ આરોપીને મહેસાણા સ્થિત રિમાન્ડ હોમમાં મોકલી આપવાના આદેશ આપ્યો હતો.

બાળ આરોપીને ૧૮થી ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી બાળ રિમાન્ડ હોમમાં ત્યાર બાદ બાકીની સજા કાપવા તેને જેલમાં મોકલવાનો રહેશે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ઓળખ પરેડમાં આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા છે. ગેરકાયદે મંડળી બનાવવામાં બાળ આરોપીની સંડોવણી પ્રસ્થાપિત થાય છે.

વટવાના સંજરીનગરમાં રહેતા મોહંમદ અરસદ જુમ્માભાઇ અન્સારીનો મોબાઇલ ફોન ગોમતીપુરમાં રહેતા અમનખાન રહીમખાન પઠાણે લીધો હતો.  ફોન લેવા માટે ૩ ડિસેમ્બરે અરસદ ગયો ત્યારે અમનખાન સાથે બીજા કેટલાક લોકો પણ હાજર હતા. અરસદે ફોન માગતા અમનખાન ગુસ્સે થઇ ગયો હતો અને અરસદ પાસે રહેલો બીજો ફોન પણ છરીની અણીએ લૂંટી લીધો હતો. તેથી અસરદે પોતાના ભાઇ અઝમલને વાત કરી હતી. પછી અઝમલ, અસરદ, અફઝલ ફોન લેવા ગયા ત્યારે જ અમનખાન સહિતના લોકો ઉશ્કેરાયા હતા અને છરીથી તમામ પર હુમલો કર્યો હતો. બધાને ઇજા થઇ હતી અને અઝમલનું મોત થયું હતું. અરસદે વટવા પોલીસ સ્ટેશનમાં અમનખાન રહીમખાન પઠાણ, ઉસ્માનખાન હમીદખાન પઠાણ, ઇરશાદ ઉર્ફે મોનુ ભૂરેખાન મન્સૂરી, નૌશાદઅલી લીયાકતઅલી મોમીન, મોહંમદ શાહઝેબ મકસુદમીયા મલેક અને બાળ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

નિર્ભયાકાંડને પગલે વર્ષ ૨૦૧૫માં ૧૬ વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના બાળ આરોપીઓ સામે કાયદામાં સુધારાયો હતો. આ કાયદા મુજબ હવે બાળ આરોપીને આજીવન કેદ સુધી પણ સજાની જોગવાઇ છે.

Previous articleધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા ૨૦૦ હિન્દુઓની થઈ ‘ઘર વાપસી’
Next articleશહેરીકરણની સમસ્યા, શહેરને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા આજે ચિંતન કરાશે