રાજ્યમાં વરસાદ ઓછો પડતા સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓ અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આજે બે મહિના થવા છતાં પાટણ જિલ્લામાં અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતલક્ષી કોઈ પરિપત્ર જાહેર નહી થતાં હારીજ-પાટણ-સમી પંથકના હજારો ખેડૂતોને સહાય હજુ સુધી ચૂકવાઇ નથી અને પાણીપત્ર વિના ખેડૂતોએ કઢાવેલા દાખલા રદ્દ થતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.
આજે પાટણ-હારીજ-સમી પંથકના ખેડૂતો સાથે આ અંગે પૂછપરછ કરતા વાલાભાઈ ખેડૂતે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાના આઠ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યાને આજે બે મહિના થયા છે પરંતુ ખેડૂતોને માટે કોઈ સહાય મળી નથી.
અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને ૬૫૦૦ની સહાય કરવામાં આવશે તેવી જાહેરાત થતા ખેડૂતો સહાય મેળવવા માટે યોગ્ય જાણકારીના અભાવે અહી તહી ભટકીને ખોટા ખર્ચ કરી રહ્યા છે. હારીજમાં પણ ખેડૂત રામજીભાઈએ જણાવેલ કે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાતા ૭-૧૨ અને આઠ-અના ઉતારા કઢાવ્યા હતો . આમ સહાય મેળવવા માટે રૃ.૧૦૦નો ખર્ચો થયો છે ત્યારે ખેડૂતોને પાણીપત્રક મળશે પરંતુ તલાટીઓએ પાણીપત્રક નહી બનાવતા તેઓએ બરેલા ફોર્મ રદ્દબાતલ થયા હતા અને હવે પાણીપત્રક બનાવવાની મૌખિક જાહેરાત થઈ છે. તલાટીઓ પાસે કોઈ પરિપત્રઆવ્યું નથી એટલે આ ૪૫ ગામડાના હજારો ખેડૂતો ફરીવાર લાઈનમાં ઉભા છે અને હવે પાણીપત્રક કેટલાકને મળ્યા છે તેને લઈ ખેડૂતો ફરીવાર સાત-બાર સહિતની કામગીરીમાં જોડાયા છે.