જસદણની પેટા ચૂંટણીમાં હાર મળ્યાં બાદ કોંગ્રેસમાં ધીમે ધીમે કકળાટ શરૂ થયો છે. ચૂંટણી પહેલા જ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે જો આ ચૂંટણીમાં પક્ષને હાર મળશે તો પક્ષમાં અસંતુષ્ટ નેતાઓને નેતાગીરી સામે અવાજ ઉઠાવવાનો મોકો મળી જશે. આજ સંદર્ભે બુધવારે રાત્રે કોંગ્રેસના નારાજ નેતાઓએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના ઘરે બેઠક કરી હતી. જે બાદ નારાજ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો હોવાની માહિતી મળી છે. આ બેઠકમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય, પૂર્વ સાંસદો અને વરિષ્ઠ નેતાઓ મળીને કુલ ૧૫ જેટલા લોકો હાજર રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસનો કકળાટ હવે દિલ્હી દરબાર પહોંચશે. અર્જુન મોઢવાડિયા સહિતના નારાજ નેતાઓએ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને બળાપો કાઢવાનું નક્કી કર્યું છે. નારાજ નેતાઓ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે તેમની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાને ઘરે રાત્રે મળેલી બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજર હતા. આ સંદર્ભે હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવીને નારાજ નેતાઓને મનાવવાનો પ્રયાસ કરશે.