ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિનારાયણ રાજભરે રામ મંદિરને લઇને અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે, જેવી રીતે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ જરુરતમંદોને ઘર આપવામાં આવે છે, તેવી જ રીતે અયોધ્યામાં રામલલા માટે પણ એક ઘર આપવામાં આવે. લખનઉમાં ભાજપ સાંસદે કહ્યું કે વર્ષ ૧૯૯૨માં જ્યારે જનતાએ મંજૂરી લીધી ન હતી, તો હવે મંદિર બનાવવા માટે મંજૂરી કેમ? તેમણે કહ્યું કે કોઈ વિવાદ નથી. હવે તો કેટલાક મુસ્લિમો સિવાય બાકીના મુસ્લિમો પણ ઇચ્છે છે કે રામલલા માટે મંદિરનું નિર્માણ થાય. ભાજપના સાંસદે કહ્યું કે તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અયોધ્યાના ડીએમને પત્ર લખી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ રામલલા માટે ઘર માંગશે. તેમનું માનવું છે કે જ્યાં સુધી મંદિર નથી બનતું ત્યાં સુધી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તેમને ઘર આપવામાં આવે.
નોંધનીય છે કે રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદે ફરી આંદોલન ઝડપી કર્યું છે. તેમણે ૯ ડિસેમ્બરે દિલ્હીના રામ લીલા મેદાનમાં વિશાળ ધર્મસભાનું આયોજન પણ કર્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં રામભક્ત આવ્યા હતા. તેવામાં સુપ્રીમ કોર્ટે પણ ૪ જાન્યુઆરીથી રામ મંદિર પર સુનાવણી શરૂ કરવા જણાવ્યું છે.