શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ પીએમ મોદી અને ભાજપ પર હુમલ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને ભ્રષ્ટાચારી ગણાવીને ચોકીદારને ચોર કહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર આરએસએસે આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ છે કે કદાચ ઠાકરે ભૂલી ગયા છે કે કેન્દ્રમાં તેમના મંત્રીઓ પણ શામેલ છે. આરએસએસે શિવસેના પર હુમલો કરતા કહ્યુ કે જો ચોકીદાર ચોર છે તો તેઓ સાથે કેમ છે? સરકારથી અલગ કેમ નથી થઈ જતા? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર તરુણ ભારતમાં છપાયેલા એક લેખમાં બુધવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રધાનમંત્રી મોદી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી દેવેન્દ્ર ફડણવીસ સરકારના વિરોધમાં તેમની ટિપ્પણીઓ માટે આકરી ટીકા કરવામાં આવી છે. આરએસએસે કહ્યુ છે કે ઉદ્ધવ ઠાકરેને એ ખબર નથી કે ક્યારે શું બોલવાનુ છે. આરએસએસે કહ્યુ છે કે કોણ શું બોલી રહ્યુ છે, જનતાને બધુ ખબર છે. જનતા આગામી ચૂંટણીમાં સબક શીખવાડશે. શિવસેનાના આખાબોલાપણાનો હિસાબ જનતા કરશે. નાગપુરથી પ્રકાશિત થનારા આરએસએસના આ મુખપત્રમાં કહેવામાં આવ્યુ છે કે સરકાર જો ભ્રષ્ટાચારી છે તો શિવસેના તેમનાથી અલગ થવાની હિંમત કેમ નથી કરી શકતી.
વાસ્તવમાં અયોધ્યા પ્રવાસ બાદ પંઢરપુરમાં ઉદ્ધવ ઠાકરે કેન્દ્રની મોદી સરકારને ખૂબ ખરુખોટુ સંભળાવ્યુ હતુ. તેમણે મોદી સરકારને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા. ત્યારબાદથી ભાજપ અને શિવસેના વચ્ચે અંતર વધવા લાગ્યુ છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે પણ કહ્યુ છે કે સમય આવ્યે ભાજપ પોતાનો મત રાખશે.