ગાંધીનગર એસઓજીની ટીમે દરોડો પાડીને દહેગામ શહેરમાં જાહેર શૌચાલયની પાછળ વરલીનો જુગાર રમતા-રમાડતા ૪ શખ્સોને ઝડપી લીધા હતા. પીએસઆઇ આર જે કલોતરા તેમની ટીમનાં જવાનો હિતેન્દ્રસિંહ, દિલીપસિંહ, અરવીંદભાઇ સહિતને સાથે રાખીને ચૂંટણીને અનુલક્ષીને દહેગામ નહેરૂ ચોકડી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
ત્યારે દહેગામમાં નાંદોલ ત્રણ રસ્તા સામે આવેલા સુલભ શૌચાલયની પાછળ કેટલાક શખ્સો વરલીનાં આંકડા લખી-લખાવીને હારજીતનો જુગાર રમતા-રમાડતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે જગ્યાને કોર્ડન કરીને દરોડો પાડતા અબ્દુલસતાર હબીબમિયામલેક, રાજુ ગુલામહુસેન મન્સુરી, રામ ભગવાનભાઇ દેસાઇ તથા લક્ષ્મણજી માધાજી ઠાકોર નામનાં સ્થાનિક શખ્સો વરલી રમાડતા ઝડપાઇ ગયા હતા. એસઓજી ટીમે શખ્સો પાસેથી રૂ. ૮૪૦૦ની રોકડ તથા વરલીનું સાહિત્ય કબજે કર્યું હતું.
પુન્દ્રાસણમાં બહારનાં લોકો જુગાર રમવા આવતા હોવાની બાતમી આધારે પોલીસે બાતમીદારોને સક્રિય કરીને વોચ ગોઠવી દીધી હતી દરમિયાન ગુરૂવારની રાત્રે બોર્ડ મંડાયુ હોવાની બાતમી મળતા દરોડો પાડીને સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જુગાર રમતા ૫ શખ્સોને રૂ. ૨.૨૦ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પુન્દ્રાસણમાં રાત્રે તીન પત્તીની હાટડી ખુલતી હોવાની પોલીસને બાતમી બાદ બાતમીદારોને સક્રિય કરી દીધા હતા. દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મિલીન્દભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી તે પુન્દ્રાસણમાં જોગણી માતાનાં મંદિર પાસે સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જ ખુલ્લામાં જુગાર રમાઇ રહ્યો છે. જેના આધારે હેડ કોન્સ્ટેબલ બાબુભાઇએ ટીમ સાથે આ વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો.
જેમાં વિક્રમસિંહ નાનુભા સોલંકી (રહે ખટોસણ, તા રાજપુર,જી. અમદાવાદ), રણજીત કાન્તીભાઇ પંચાલ (રહે ચાંદલોડીયા, વાઘેશ્વરી સોસાયટી, અમદાવાદ), વિષ્ણુજી પોપટજી ઠાકોર (રહે બાવલુ, પ્રાથમિક શાળા પાછળ, કડી, મહેસાણા), મુકેશજી ગલાજી ડાભી(રહે નેધરાડ, તા સાણંદ, જિ અમદાવાદ) તથા આબીદહુસેન મહમતખાન ખોખર (રહે કડી કસ્બા, કડી, મહેસાણા) ઝડપાઇ ગયા હતા. પોલીસને બાજી પરથી રૂ. ૪૨ હજારની મોટી રોકડ મળી હતી.જયારે આરોપીઓની અંગઝડતી તથા ૪ મોબાઇલ મળી કુલ રૂ. ૨,૨૦,૦૫૦નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો. પોલીસે પાંચેય શખ્સો સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે કોઇ સ્થાનિક વ્યક્તિનું નામ સામે આવ્યુ નથી.