ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા ઉપક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાકાર કરતી રાજય સરકારના શિક્ષણ વિભાગની નમો ઈ-ટેબ યોજનાના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત – સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવાનો કાર્યક્રમ મેયર મનહરભાઈ મોરીના અધ્યક્ષતામાં આજરોજ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવરાજસિંહ ગોહિલ તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા ઉપસ્થિત રહેલ હતાં. યુનિવર્સિટીના ૧ર,૧૬પ વિદ્યાર્થીઓએ ટેબલેટ મેળવવા માટે નોંધણી કરાવેલ જે પૈકીના ૭ર જેટલા વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે આજના કાર્યક્રમમાં ટેબલેટ આપવામાં આવેલ. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન-શુભેચ્છા પાઠવી ટેકનોલોજીના માધ્યમથી વધુને વધુ જ્ઞાન ઉપાર્જીત કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો. દિલીપ બારડે વિદ્યાર્થીઓને ઈન્ટરનેટના માધ્યમથી કયા પ્રકારે શિક્ષણ મેળવી શકાય. અને પોતાના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી શકાય એ બાબતનું સવિસ્તાર નિદર્શન કરેલ. જાણીતા વકતા નેહલબેન ગઢવીએ ઉપસ્થ્ત યુવક-યુવતિઓને અનેક ઉદાહરણો દ્વારા જીવનમાં શ્રેષ્ઠ અને સન્માનીય સ્થાન હાંસલ કરવા બાબતે પ્રોત્સાહિત્ કર્યા હતાં. ટેબલેટ મેળવનાર દરેક વિદ્યાર્થીને શહેરની આર્યમંડળ સંસ્થા દ્વારા શ્રીમદ ભગવદ્ગીતા પણ આપવામાં આવેલ. મહેમાનોનું આભારદર્શન ડો. જયદિપસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવેલ. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. હિમલ પંડયા દ્વારા કરવામાં આવ્યું. આયોજનને સફળ બનાવવા ડો. ભાવેશ દેસાઈ, ડો. દિકપાલસિંહ જાડેજા, ડો. દેવરાજ ગાંવિત વિવિધ કમિટિના સંયોજકો, સભ્યો વિગેરેએ જહેમત ઉઠાવી હતી.