ગઈ કાલે તા. ૨૬ના બુધવારે બપોરે ૧૫/૫૫ કલાકથી સાંજના ૧૯/૦૦ કલાક સુધી ગુજરાત રાજ્યની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ શંભુજી ઠાકોર,ગેનીબેન ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ સહિતના સભ્યોએ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના અલંગની લેબર કોલોની, મજુર તાલીમ કેન્દ્ર, શીપ બ્રેકીંગ કામગીરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમિતિએ મજુરોના રહેઠાણના સ્થળે તેમજ તેમના તાલીમના સ્થળે મજુરો સાથે સીધો સંવાદ યોજી તેમને આપવામાં આવતી સગવડો વિશે જાણકારી મેળવી હતી.
અલંગ ખાતે દેશના જુદા જુદા રાજ્યના એક હજારથી વધુ મજુરો લેબર કોલોનીમાં રહે છે આ મજુરોને સુરક્ષાલક્ષી તાલીમ પણ તાલીમ કેન્દ્રમાં આપવામાં આવે છે તેમ ઉપસચિવશ્રી ડી. એ. ચૌધરીએ જણાવ્યુ હતુ.
આ સમિતિની અલંગ ખાતેની મુલાકાત વેળાએ ઉપસચિવ કે. બી. ધોળકીયા,સેકશન ઓફીસર આર. આર. ઢોલરીયા, વહીવટી અધિકારી જે. બી. ખરાડી, અધિક્ષક ઈજનેર યુ. એસ. ચૌહાણ, નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ ડી. વી. ત્રિવેદી,જી. એમ. બી. ભાવનગર કચેરીના અધિકારી છાગાણી સહિત સંબંધિત કચેરીના અધિકારી હાજર રહ્યા હતા.