પાકિસ્તાનને લઈને ભાજપની બેવડી નીતિ ફરી એક વખત સપાટી પર આવી છે.એક તરફ કેન્દ્ર સરકાર આતંકવાદને આગળ ધરીને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા માટે ઈનકાર કરે છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
એક અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા રિપોર્ટ પ્રમાણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાંથી ઓછામાં ઓછા સાત પ્રતિનિધિમંડળ સમિટમાં ભાગ લેવા માટે આવી શકે છે.
વાઈબ્રન્ટ સમિટના આયોજનના ભાગરુપે ગ્લોબલ કોન્ક્લેવ ઓફ ઈન્ટરનેશનલ ચેમ્બર્સ નામની એક ઈવેન્ટ યોજાતી હોય છે. જેમાં વિવિધ દેશોના વ્યવસાયિક પ્રતિનિધિ મંડળ ભાગ લેતા હોય છે.જેમાં આ વખતે ૫૨ દેશના પ્રતિનિધિ મંડળ આવે તેવી સંભાવના છે.
જોકે પાકિસ્તાનના સમિટમાં ભાગ લેવા અંગે સરકારના અધિકારીઓ કશું કહેવા માટે તૈયાર નથી. પણ કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ગુજરાત સરકારે પાકિસ્તાનને સમિટમાં આમંત્રણ આપીને કરોડો નાગરિકો સાથે દગો કર્યો છે. હવે પીએમ મોદી દેશની જનતાને આ મામલે જવાબ આપે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યુ હતુ.જોકે સરહદ પર તે જ વખતે પાકિસ્તાનના સૈનિકોએ ભારતના બે સૈનિકોનુ માથુ કાપીને કરેલી હત્યા બાદ ફેલાયેલા તનાવના કારણે પ્રતિનિધિનિધિ મંડળ મુખ્ય સમિટમાં ભાગ લીધા વગર પાછુ ફરી ગયુ હતુ.