ઉત્તર ભારતનાં ૧૧ રાજ્યોમાં કોલ્ડવેવની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનીક સરક્યુલેશનથી ઠંડા પવનો જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાત્રિનું તાપમાન ૬.૮ ડિગ્રી પર ઉતરતા પાટનગરમાં હાડ ધ્રુજાવતી ઠંડીનો દોર શરૂ થયો છે. ગાંધીનગર અને નલિયામાં તાપમાન ૬ ડિગ્રી નોંધાયું હતું.
રાત્રીનું તાપમાન ૬.૮ ડિગ્રી પર ઉતરી આવવા સાથે પાટનગરમાં હાડ ધ્રુજાવતી ઠંડીનો દોર શરૂ થયો છે. ઠંડીએ ગત વર્ષનો ડિસેમ્બર મહિનાનો ૯.૬ ડિગ્રીનો રેકોર્ડ પણ તોડ્યો છે અને ગુરુવારે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. દિવસનું તાપમાન પણ ગાંધીનગરમાં જ સૌથી ઓછું ૨૪.૬ ડિગ્રી નોંધાયું છે.
ઉત્તર દિશાએથી વહેતા ઠંડા પવનો આ સાથે કાતિલ બનવાથી સાંજ ઢળવાની સાથે નગરમાં કરફ્યુ જેવા માહોલની શરૂઆત થઇ ચૂકી છે. હવે બારી, બારણા બંધ ઘરમાં પણ ગરમ કપડા પહેરવાનું અનિવાર્ય બની ગયું છે અને નગરના મુખ્ય માર્ગો સુમસાન થવા લાગ્યા છે.
ગાંધીનગરમાં બુધવારે રાત્રીનું તાપમાન ૯.૪ ડિગ્રી સામે ગુરુવારે ૨.૬ ડિગ્રીનો કડાકો થયો હતો. જોકે દિવસના તાપમાનમાં મોટો ઘટાડો થયો ન હતો. બુધવારે ૨૫ ડિગ્રીની સામે ગુરુવારે ૨૪.૮ ડિગ્રી નોંધાયુ હતુ. ઉનાળામાં ૨૪ ડિગ્રી પર એસી ચલાવાતા હોય છે. ત્યારે આટલા તાપમાન સાથે શહેર વાતાનુકૂલિત સ્થિતિમાં આવી ગયું છે.
ગત વર્ષ ૨૦૧૭માં ડિસેમ્બર મહિનામાં સૌથી ઓછુ તાપમાન ૯.૬ ડિગ્રી તારીખ ૨૮મી તારીખે નોંધાયુ હતી. તેની સામે ચાલુ વર્ષનો ડિસેમ્બર મહિનો વધુ ઠંડો પુરવાર થયો છે. નોંધવું રહેશે કે ચાલુ મહિનાની ગત તારીખ ૧૯મીએ પણ ૭.૨ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.