કચ્છમાં આવતા સતત આંચકા વચ્ચે શુક્રવારે વહેલી સવારે ફરી ધરતી આંચકાથી ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં રાતે અને વહેલી સવારે ૨ વખત આંચકા અનુભવાયા હતા. કચ્છમાં વહેલી સવારે ૮.૨૬એ ૧.૯ની તીવ્રતાનો આંચકો અને રાતે ૩.૧૭એ ૧.૬ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિદું ભચાઉના દુધઈ પાસે રહ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વારંવાર કચ્છમાં આંચકા ચાલુ રહ્યા છે. થોડા સમય પહેલા ૩.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભુકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇપણ પ્રકારના નુકસાન અંગેની જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે જેના કારણે લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ જોવા મળે છે.
અત્રે જણાવી દઇએ કે, ગોઝારા ભૂકંપને દોઢ દાયકો વીત્યા બાદ પણ કચ્છની ધરા હજુ શાંત થઈ નથી અને સમયાંતરે હજુ ભૂકંપના આંચકા યથાવત્ છે. કચ્છ અને ધરતીકંપને જૂનો નાતો છે.
આ પહેલા અનેકવાર ધરતીકંપે કચ્છની ધરતીને ધ્રુજાવી છે.આ પહેલા ૨૦૦૧માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી. તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી ત્યારે ફરી એકવાર ૨ આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.