ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાવી વચ્ચે શુક્રવારે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૬.૨ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું. જ્યારે કચ્છના નલિયાનું તાપમાન ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારે ઠંડીની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પારો ગગડીને ૧૦ ડિગ્રી નીચે સુધી પહોંચ્યો છે. અમદાવાદ ખાતે શુક્રવારે તાપમાન ૯.૮ ડિગ્રી રહ્યું હતું. ગિરનાર પર્વત ઉપર સવારે લઘુત્તમ તાપમાન માત્ર ૨ ડિગ્રી નોંધાતા પર્વત ઠરીને ઠીકરું થઈ ગયો છે. ગિરનાર પર્વત પરની આ ઠંડી ચાલુ સીઝનની સૌથી વધુ છે સાથોસાથ તે વિક્રમ સર્જક હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ઠંડીનો જોર વધ્યું છે. પવનની સાથે ઠંડી પડી રહી છે. લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી રહી છે, એવામાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાશે. જેમાં ઠંડીની સાથે સાથે ઠંડો પવન પણ ફૂંકાશે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ૪ દિવસ સુધી રાજ્યમાં ભારે ઠંડી વર્તાશે. આવી સ્થિતિને હવામાન ખાતાની ભાષામાં કોલ્ડવેવ કહેવામાં આવે છે. જેમાં ભારે ઠંડી પડવાની સ્થિતિ સર્જાય છે. હવામાન ખાતાનું કહેવું છે કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં કોલ્ડવેવ રહેશે.
દેશના ઉત્તર-પૂર્વિય ભાગોમાં સતત હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આની જ અસરને કારણે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં બે દિવસ દરમિયાન એકથી ત્રણ ડિગ્રી સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમજ સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.