ગત તા.ર૧-૧ર-ર૦૧૮ના રોજ ઘોઘા નજીક સમુદ્રમાં થયેલ વરૂણ ટગના અકસ્માતના કારણે ત્રણ વ્યક્તિઓ લાપતા થયા અને હજુ મળી આવતા ન હોય તેમજ ડુબી ગયેલ ટગ પણ મળી આવેલ ન હોય આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-ર૦૦પ તળે કલેકટર ભાવનગરે તાકીદની મિટીંગ આયોજન ખંડમાં યોજેલ. આ મિટીંગમાં પોલીસ અધિક્ષક, આસીસ્ટન્ટ કમિશ્નર ઓફ કસ્ટમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પોર્ટ ઓફિસર ગુજરાત મેરીટાઈમ બોર્ડ, પ્રાદેશિક અધિકારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પ્રાંત અધિકારી, પ્રાંત અધિકારી-તળાજા, ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ઓફિસર વિગેરે અધિકારીઓ તેમજ શીપ રીસાયકલીંગ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન (ઈન્ડિયા) ભાવનગર, શીપીંગ એજન્ટો અને ટગ માલિકો હાજર રહેલ હતા.
અકસ્માતની ઘટના ખૂબ જ દુઃખદ હોય અધ્યક્ષે શોકની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારને જે કોઈ સરકારી સહાય મળી શકે તેમ હોય તે આપવા ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓફિસરને તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડને જણાવ્યું. જે અન્વયે અલંગ શીપ રીસાયકલીંગ એસોસીએશને દરેક મૃતકોના પરિવારને રૂા.૧,૦૦,૦૦૦ સહાય ચુકવવાની જાહેરાત કરી ત્યારબાદ બનાવ સંદર્ભે ભાવનગર જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં ચાલતા ટગ અન્વયે જરૂરી રજીસ્ટ્રેશન તેમજ સર્વે સર્ટીફીકેટસ બાબતે ચર્ચા કરી, આવા ટગોની આકસ્મીક ચકાસણી કરવા બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડને અધ્યક્ષે સુચના આપી. અકસ્માત થયેલ વરૂણ ટગમાં આગ લાગવાનો બનાવ બનેલ તે સ્પષ્ટ થતું ન હોય આ બાબતે કમિટીની રચના કરી કલેક્ટરે મદદનીશ કલેક્ટર, તળાજાને તપાસ સોંપી અને કોસ્ટલ એરીયાના સમુદ્રમાં ચાલતા તમામ ટગ અને નાના વહાણોમાં પુરતી નિયમોનુસાર સેફટી સુવિધા હોય અને જરૂરી સ્ટાન્ડર્ડ હોય તો જ મંજુરી આપવા ગુજરાત મેરીટાઈમ બોર્ડને જણાવ્યું. કોઈપણ અધિકારીની બેદરકારી કે ટગ માલિકો કે શીપીંગ એજન્ટની બેદકારીના કારણે કોઈપણ ભવિષ્યમાં ઘટના ઘટશે તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-ર૦૦પની કલમ પપ અને પ૬ અન્વયે સજાની કાર્યવાહી કરવાની કલેક્ટરે તાકીદ કરી હતી.