ભારતના ૨૧ વર્ષીય યુવા વિકેટકીપર ઋષભ પંત કાંગારૂઓની ધરતી પર રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે. મેલબર્ન ટેસ્ટના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાના બોલ પર ઓસ્ટ્રેલિયાના કપ્તાન ટિમ પેનનો કેચ પકડતાની સાથે જ ઋષભે એક મોટો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. ખરેખર, ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં વિકેટ પાછળ કુલ ૧૯ બેટ્સમેનોના કેચ પકડ્યા છે.
આ સાથે જ ઋષભ પંત એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે કેચ પકડનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયો છે. જ્યારે આ તેની માત્ર ત્રીજી ટેસ્ટ સિરીઝ છે. ઋષભ પંત પહેલા આ રેકોર્ડ સંયુક્ત રૂપે પૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાની અને મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. કિરમાની અને ધોનીએ એક ટેસ્ટ સિરીઝમાં ૧૭-૧૭ કેચ પકડવાનો રેકોર્ડ બનાવ્યો છે.
ઋષભે એડિલેડમાં ટેસ્ટમાં કુલ ૧૧ કેચ પકડ્યા હતાં. પર્થ ટેસ્ટમાં ૬ કેચ અને મેલબર્ન ટેસ્ટમાં અત્યાર સુધી ૨ કેચ પકડ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના આ ટેસ્ટ મેચમાં ૨ વિકેટ હજૂ બાકી છે. અને સિડનીમાં યોજાનાર એક ટેસ્ટ મેચ હજૂ બાકી છે. આવામાં પંત પોતાના કેચની સંખ્યા વધારી શકે છે.