ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયેલી વર્ચસ્વની લડાઈને લઈ કોંગ્રેસના નારાજ અને નિરાશ નેતાઓને મનાવવા માટે અર્જુન મોઢવાડિયા મેદાનમાં આવ્યા છે. જેને પગલે મોઢવાડિયાની આગેવાનીમાં ૫ જાન્યુઆરીના રોજ રાહુલ ગાંધીને રજૂઆત કરશે. આ પૂર્વે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અહમદ પટેલને પણ આ અંગે રજૂઆત કરશે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસની વર્તમાન યુવા નેતાગીરી સામે સિનિયર આગેવાનોની બાદબાકી કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાસ કરી કોંગ્રેસના નીતિઓ અને નિર્ણયોમાં સિનિયરોને દૂર રાખવામાં આવતા હતા કોંગ્રેસના નવા સંગઠનમાં પણ સિનિયર આગેવાનોને જગ્યા આપી નથી.
તાજેતરમાં સિનિયરોની અવગણનાને લઈ અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને એક ગુપ્ત બેઠક મળી હતી. જેમાં અવગણના અંગે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી અને આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.