રાજદ્રોહના કેસમાં જામીન પર બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન કમિટીના કન્વીનર અલ્પેશ કથીરિયા હવે પોલીસ સામે બાથ ભીડી છે. જામીન પર બહાર આવેલા અલ્પેશેનો પાર્કિંગ જેવા મુદ્દે બબાલ કરી પોલીસને ધમકાવી, મામલો બિચક્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, બાદમાં કોર્ટે ૧૫ હજારના જામીન આપ્યા અને છોડી મૂકવા આદેશ કર્યા. શનિવારે ડીસીપી રાહુલ પટેલે અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારો ઉપર કેટલાક કેસ નોંધ્યા છે એ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ડીસીપી રાહુલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારોએ જ્યાં પાટીદાર બહુમતી છે એવા વિસ્તારોમાં નાના નાના મુદ્દાઓને લઇને આ વિસ્તારોને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ સીધે સીધું પોલીસ સાથે ઘર્ષણ કરવા જેવી ઘટનાઓમાં કેટલાક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
જેમાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ફરજમાં રૂકાવટ કરવા બદલ કથીરિયા અને તેમના સાથીદારો ઉપર રાયોટીંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો જે અંગે અટક કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.
શુક્રવારે અલ્પેશ પટેલે ટ્રાફિક પોલીસ સાથે માથાકુટ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ દાદાગીરી કરી બેફામ ગાળા ગાળી કરી હતી. પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ ઓફિસરોને મા-બહેનની ગાળો આપનાર અલ્પેશ કથીરિયાનો વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અલ્પેશની ધરપકડ પહેલાનો છે. પોલીસ દ્વારા અલ્પેશને વિનંતી કરવામાં આવી કે ગાળો ન બોલે અને શાંતિ બેસીને રજૂઆત કરે.
જો કે અલ્પેશ કોઇનું સાંભળતો નથી અને મનફાવે તેમ ગાળો આપી રહ્યો છે, એક ઓફિસર તેને બેસવાની ઓફર કરે છે, પરંતુ અલ્પેશ કહી રહ્યો છે કે ખુરશી લાવ આ ટેબલ નહીં ચાલે. આ સિવાય અલ્પેશ પોલીસના તમામ ઉચ્ચ ઓફિસરોને મા-બહેનની ગાળો આપી રહ્યો છે.
આ ગુના હેઠળ અલ્પેશ કથીરિયાને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જોકે, લોકઅપમાંથી પણ કથીરિયા પોલીસ તંત્ર અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગાળો ભાંડવામાં આવી હતી. આ ગાળો બોલવા અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત તમામ ગુનામાં તેમની અટક કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે કોર્ટ પરિસરમાં પણ કથીરિયાના સાથીદારોએ શાંતિ ભંગ થાય એવા કૃત્યો કર્યા હતા. આ અંગે પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.