ગુજરાતમાં દરરોજે સરેરાશ છ બાળકો જાતિય સતામણીનો ભોગ બને છે. આ ચકચારી આંકડાઓ પ્રાપ્ત થયા બાદ ચોંકી ઉઠેલી ગુજરાત સરકારે રાજ્યની સ્કૂલોમાં બાળકોને ગુડ ટચ અને બેડ ટચ એટલે કે સારી ભાવનાથી કરાતા સ્પર્શ અને ખરાબ ભાવના સાથે કરાતા સ્પર્શ વિશે ખાસ માર્ગદર્શન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને (ડીઈઓ) પરિપત્ર પાઠવીને દરેક સ્કૂલમાં બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશેની સમજ આપવા ખાસ શિક્ષકોને તૈયાર કરીને તેમની નિમણૂંક કરવા તાકીદ કરી છે.
ગુજરાત પોલીસના જ આંકડાઓ અનુસાર ગત વર્ષ ૨૦૧૭ દરમિયાન રાજ્યમાં પોક્સો એક્ટની કલમ ૩૭૫ અને ૩૭૬ હેઠળ બાળ સતામણીના ૨,૨૧૫ કેસ નોંધાયા હતા. આ હિસાબે રોજના સરેરાશ ૬ બાળકો જાતિય સતામણીનો શિકાર થાય છે. ૨૦૧૭માં ફક્ત ૧૮ કેસમાં સજા થઈ છે જ્યારે ૧૧૦ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકાયા છે. આઘાતજનક બાબત તો એ છે કે, રોજના સરેરાશ છમાંથી ચાર કિસ્સામાં સતામણી કરનાર આરોપી ઘરની જ કોઈ વ્યક્તિ અથવા નજીકના સંબંધી કે વિશ્વાસપાત્ર પરિવારજન હોય છે. બાળકો નિર્દોષ હોય છે અને તેમને રમાડવા કે બીજી રીતે નિર્દોષ ભાવથી સ્પર્શ કરવાના બહાને જ આ સતામણીની શરૂઆત થતી હોય છે.
બાળકોને નાનપણથી જ સ્પર્શ અને તેની પાછળના ઈરાદા વિશે જાણકારી મળે તો તેમની પર થતા અત્યાચારોને રોકવાની દિશામાં ઘણી મદદ મળશે, એવો જાણીતા બાળ મનોચિકિત્સક રાગિણી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ જણાવે છે કે, મોટાભાગના સંજોગોમાં કોઈ પરિચિત અથવા નજીકનું સગું જ બાળકની જાતિય સતામણી કરતું હોય છે. આવામાં તેમને ગંદી ભાવના સાથે કરવામાં આવતા સ્પર્શ એટલે કે ટચ વિશે સ્કૂલમાં માર્ગદર્શન અપાય તો તેનાથી આ દૂષણ નિવારવામાં ઘણી મદદ મળશે.