જમ્મુકાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ શનિવારના દિવસે મોટી સફળતા હાંસલ કરી હતી. પુલવામાના રાજપોરા ગામમાં થયેલી અથડામણમાં સેના અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો હતો. ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન પૂર્ણ થયું હોવાનો દાવો કર્યો હતો. લશ્કરી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે શુક્રવારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે આજે સવાર સુધી જારી રહ્યુ હતુ. બાતમીના આધાર પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સુચના બાદ સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઇફલ, કેન્દ્રિય રિઝર્વ પોલીસની ૧૮૩ બટાલિયન અને જમ્મુ કાશ્મીરમાં એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ગાળા દરમિયાન અહીંના હાજીપાઇન વિસ્તારમાં મકાનમાં છુપાયેલા ત્રાસવાદીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્રાસવાદીઓને એક મકાનમાં ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. આ કાર્યવાહી દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. લાંબા સમય સુધી અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર ખીણમાં સેનાની કાર્યવાહી પહેલા જમ્મુ વિસ્તારમાં સાંબા જિલ્લામાં જમીનની નીચે છુપાયેલા ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સાંબા જિલ્લામાં સેનાના ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હાલના વર્ષોમાં એક પછી એક મોટી સફળતા મળી રહી છે. પુલવામાં વિસ્તારમાં ત્રાસવાદીઓ હજુ પણ મોટા પાયે સક્રિય થયેલા છે. તેમની સામે વારંવાર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. કાશ્મીર ખીણમાં સેનાની કાર્યવાહી ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી તપાસનો દોર પણ ચાલી રહ્યો છે. સેનાના ઓપરેશન દરમિયાન સવારે આઠ વાગ્યાની આસપાસ ચારેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
સુરક્ષા સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં ત્રાસવાદી જાકીર મુસાની ગેંગના છ સભ્યોનો ખાતમો કરવામાં આવ્યા બાદ આ ટોળકી હવે ખતમ થવાના આરે પહોંચી ગઇ છે. આ ટોળકી હવે ખુબ નબળી પડી ગઇ છે. પોલીસે દાવો કર્યો છે કે આ ગેંગના હવે ચાર કુખ્યાત ત્રાસવાદીઓ જ બચી ગયા છે. બાકીના ત્રાસવાદીઓનો ખાતમો થઇ ગયો છે. મુસા જુથ એક ગેંગની જેમ કામ કરે છે. જેને કોઇ સંગઠનનુ સમર્થન નથી. જાકીર મુસા પહેલા હિઢબુલના ત્રાસવાદી તરીકે હતો. જે વર્ષ ૨૦૧૭માં ચર્ચામાં આવ્યો હતો. એ વખતે એક ઓડિયોમાં તેના દ્વારા અલકાયદાની જેમ એક આંદોલન કરવાની જાહેરાત કરતો દર્શાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ઓપરેશન ઓલઆઉટમાં અનેક મોટી સફળતા હાથ લાગી છે. ૨૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.