મેઘાલયનાં એક કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરોને બચાવવા માટેનું રેસ્ક્યૂ ઓપરેશન છેલ્લા ૧૮ દિવસથી ચાલુ છે. આ દરમિયાન શનિવારે તેમના હેલમેટ મળ્યાં હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બચાવ દળને મજદૂરોનાં ત્રણ હેલમેટ મળ્યાં છે. જેની સાથે જ ૧૩ ડિસેમ્બરથી ફસાયેલા ૧૫ મજૂરોને બચાવવાનાં અભિયાનમાં આજે ભારતીય નૌસેના પણ સામેલ થશે. અધિકારીઓએ આ જાણકારી શુક્રવારે આપી હતી. નૌસેનાનાં પ્રવક્તાએ એક ટિ્વટમાં કહ્યું કે આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમથી ૧૫ સભ્યોની ગોતાખોર ટીમ શનિવારની સવારે પૂર્વી જયંતિયા પર્વતીય જિલ્લાનાં સુદૂરવર્તી લુથ્મારી ગામ પહોંચશે. તેમણે કહ્યું કે, આ ટીમ વિશેષ રીતે ડાઇવિંગ ઉપકરણ લઇ જઇ રહી છે જેમાં પાણીની અંદર શોધવામાં રિમોટ સંચાલિત વાહન પણ સામેલ છે.
પંપ નિર્માતા કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ અને કોલ ઇન્ડિયાએ શુક્રવારે સંયુક્ત રીતે મેઘાલયની તે કોલસાની ખાણ માટે ૧૮ હાઇ પાવર પંપ આપ્યાં છે. જ્યાં ૧૫ મજૂરો ફસાયેલા છે. આ વચ્ચે ભુવનેશ્વરથી મળેલાં એક રિપોર્ટ પ્રમાણે ઓડિશા ફાયરફાઇટર સેવાની ૨૦ સભ્યોની ટીમ ઉપકરણો સાથે શુક્રવારે શિલાંગ જવા માટે રવાના થઇ હતી. જેમાં ઘણાં જ હાઇટેક ઉપકરણો સામેલ છે.