તા. ૦૯ ડીસેમ્બરે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ યોજાનાર છે ત્યારે આજે તા. ૦૨ ડીસેમ્બરે ભાવનગરના વિધાનગર વિસ્તાર સ્થિત વળિયા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ હતી. જેમાં વિજાણુ યંત્રથી મતદાન, વી. વી. પેટ મશીન સહિતની જાણકારી અપાઈ હતી.
આ તાલીમમાં પ્રિસાઈડીંગ ઓફીસર ૨૭૨ અને પોલીંગ ઓફીસર-૧, ૨૭૨ એમ કુલ ૫૪૪ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને હુકમો અપાયા હતા જેમાંથી ૫૨૯ કર્મચારીઓ હાજર રહ્યા હતા જ્યારે ૧૫ કર્મચારીઓ આ તાલીમમાં હાજર રહી શક્યા ન હતા. આ સ્થળે ઓબ્ઝર્વર પી. વેણુગોપાલે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. આ તાલીમને સફળ બનાવવા માટે ૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, મદદનીશ ચૂંટણી અધિકારી અને શહેર મામલતદાર વિજ્યાબેન પરમાર, ચૂંટણી શાખાના પંડ્યા, વાળા, ઝાલા સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
ગ્રામ્ય વિધાનસભા બેઠકના સ્ટાફની પણ તાલીમ યોજાઈ
સરકારી મેડીકલ કોલેજ ખાતે ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ હતી
જેમાં પ્રિસાઈડીંગ ઓફીસર ૩૩૯ અને પોલીંગ ઓફીસર-૧, ૩૩૯ એમ કુલ ૬૭૮ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને તાલીમ અપાઈ હતી.આ સ્થળે ઓબ્ઝર્વર અંજનેય કુમારસિંઘ હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ તાલીમને સફળ બનાવવા માટે આર. ઓ. સી. સી. પટેલ, એ. આર. ઓ. કે. એમ. સંપટ, શિહોર, ઘોઘા મામલતદાર તેમજ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા ધાંધલ્યા સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.