ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માણ શરૂ છે અને કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલ રોડ પર મુકવામાં આવેલ તમામ દિશા સુચક બોર્ડ ચેતવણી બોર્ડ કોન્ટ્રાક્ટરો દ્વારા હટાવી લેવાતા અહી અવારનવાર નાના-મોટા ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
અકસ્માતની ઘટના આજરોજ રાજુલાના વિક્ટર ગામે આવેલ પેટ્રોલપંપ પાસે બની હતી. અહીં બની રહેલ હાઈવેમાં માટી સપ્લાયર્સ કરતું ડમ્પર જીજે૧૬ એક્સ ૮૭૦૪ પુરપાટ ઝડપે માટી લેવા જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલ બાઈક જીજે૪ બીડી ર૬૦૯ અડફેટે લેતા બાઈક સવાર ભગાભાઈ નાથાભાઈ ગમારા (ઉ.વ.૬૦)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેસેલા મેપાભાઈ રામભાઈ ગમારા (ઉ.વ.૩પ) બન્ને રહેવાસી દેવળીયા તા.મહુવાને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે મહુવા ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ વિક્ટરના આગેવાનો યોગેશભાઈ વોરા, કાળુભાઈ ઉન્નડજામ, પ્રકાશ વેગડ, રીઝવાન ગાહા સહિતના ઘટનાસ્થળે મદદે દોડી ગયા હતા. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટતા મરીન પોલીસ પીપાવાવ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.