જમ્મુના રત્નૂચક સૈન્ય છાવણી બહાર બે શકમંદો દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સેનાએ પણ ફાયરિંગના જવાબમાં તાબડતોબ ગોળીબાર કર્યા છે. બંને શકમંદો આતંકવાદી હતા અને તેમને શોધવા માટે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રત્નૂચક સૈન્ય છાવણી ખાતે સુરક્ષાદળો પર ફાયરિંગની ઘટના રાત્રે બે વાગ્યે બની હતી. રાત્રે બે વાગ્યે સેનાના એક જવાને સૈન્ય છાવણીની બહાર બે શકમંદોની હિલચાલ જોઈ હતી અને તેણે તાત્કાલિક પોતાના સાથીદારોને એલર્ટ કર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે શકમંદોએ જવાનોના એલર્ટ થવા અને તેમની હરકત જોતા ફાયરિંગ શરૂ કર્યું હતું. તેના જવાબમાં સેનાના જવાનો દ્વારા શકમંદો પર તાબડતોબ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
સામસામે થયેલા ફાયરિંગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. અંધારાનો ફાયદો ઉઠાવીને ફાયરિંગ કરનારા બંને શકમંદો ફરાર થવામાં કામિયાબ રહ્યા છે. જો કે સેના અને અન્ય સુરક્ષાદળો દ્વારા આસપાસ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૈન્ય છાવણીને સ્પર્શતા સાંબા જિલ્લાના સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો છે અને તલાશી અભિયાન ચલાવાયું છે. સુરક્ષા એજન્સીઓને પહેલા જ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળી ચુક્યા છે કે નવા વર્ષે જમ્મુ ક્ષેત્રને રંજાડવાની આતંકવાદીઓ દ્વારા કોશિશ કરવામાં આવશે. નક્કર માહિતીના આધારે કઠુઆના ડાભી ગામના જંગલોમાં શુક્રવારે સાંજે એક સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
શનિવારે પુલવામાના હાજિન રાજપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.