વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં વર્ષ ૨૦૧૮માં બનેલી અનેક ઘટનાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ યોજનાઓ અને ઘટનાક્રમ યાદ રાખવા જેવા છે. આ ઘટનાક્રમને યાદ રાખીને નવા વર્ષમાં પ્રવેશ કરવાનો સમય છે. મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે જ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની શરૂઆત થઇ હતી. દેશના સૌથી લાંબા રેલ-રોડ બ્રિજનો ઉલ્લેખ કર્યો હતો જેની શરૂઆત હાલમાં જ આસામમાં થઇ હતી. રમતગમતના ક્ષેત્રમાં શ્રેણીબદ્ધ સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે દુનિયાને અલવિદા કરનાર મહાન હસ્તીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ આ વર્ષના પોતાના છેલ્લા મન કી બાત કાર્યક્રમમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે નવા વર્ષના સંકલ્પોની પણ વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમના ૫૧માં એપિસોડમાં મોદીએ કહ્યું હતું કે, નવા વર્ષમાં કેવા સંકલ્પ કરવાની જરૂર છે જેના કારણે પોતાનામાં ફેરફારની સાથે સાથે દુનિયા અને દેશમાં તથા સમાજને આગળ વધારી શકાય.
તેમણે એમ પણ કહ્યું હતું કે, અનેક યોજનાઓ જનઆંદોલનના સ્વરુપમાં આવી ચુકી છે જેમાં સ્વચ્છ ભારત અભિયાનનો સમાવેશ થાય છે. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દક્ષિણ આફ્રિકન પ્રમુખની ઉપસ્થિતિની પણ વાત કરી હતી. આ વર્ષે દુનિયાને અલવિદા કરનાર ચેન્નાઈના તબીબ જયા ચંદ્રનનો પણ ઉલ્લેખ કર્યો હતો જે ગરીબોની મફતમાં સારવાર કરતા હતા. કુંભ મેળા અંગે મોદીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશની ગૌરવશાળી સંસ્કૃતિના પ્રતિક તરીકે કુંભ મેળાની સ્થિતિ છે જ્યારે પણ પ્રયાગરાજ કુંભમાં લોકો પહોંચે ત્યારે જુદા જુદા પાસાઓને લઇને ફોટાઓ સોશિયલ મિડિયા પર રજૂ કરવા માટે પણ અપીલ કરી હતી.
સાથે સાથે કિલામાં બંધ રહેલા અને હાલમાં જ ખોલી દેવામાં આવેલા વર્ષો જુના વૃક્ષના દર્શન કરવા માટે પણ મોદીએ અપીલ કરી હતી. આના લીધે દુનિયાના વધુને વધુ લોકો કુંભ પહોંચી શકશે. કુંભની દિવ્યતાથી ભારતની ભવ્યતા જોઈ શકાશે. કુંભ મેળાને લઇને ચાલી રહેલી તૈયારીઓની પણ મોદીએ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, પ્રયાગરાજમાં યુદ્ધસ્તરે તૈયારી ચાલી રહી છે. નવા વર્ષમાં અનેક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ઉત્તરાયણ પર્વની પણ મોદીએ વાત કરી હતી. ઉપરાંત એવી હસ્તીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમને લઇને કાર્યક્રમો આવનાર દિવસોમાં યોજાનાર છે. દેશના લોકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. સાથે સાથે ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. આજ વર્ષે દેશને પર્યાવરણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સન્માન પણ મળ્યું છે.