ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લડાખ પ્રદેશના કારગિલ, લેહમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં માઇનસ ૭.૭ ડિગ્રી તાપમાન રહ્યું છે. બીજી બાજુ દેશના મેદાની ભાગોમાં પણ હાલત કફોડી બનેલી છે. ધુમ્મસની ચાદર ચારેબાજુ છવાયેલી છે જેથી ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળથી ઉત્તર ભારતમાં દોડતી ટ્રેનોના સમય ખોરવાઈ પડ્યા છે. આગામી ત્રણ ચાર દિવસમાં ઠંડીથી રાહત નહીં મળવાની શક્યતા છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ રહી છે. જીવલેણ સ્મોગના કારણે પણ હાલત કફોડી બનેલી છે.બીજી બાજુ ઉત્તરભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયું છે. હિમવર્ષાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે.
હાલમાં કોઇ રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હિમાચલમાં હિમવર્ષાના લીધે તેની સીધી અસર થઇ છે. અનેક જગ્યાએ ઠંડીના રેકોર્ડ તુટી ગયા છે. શ્રીનગરમાં પાઇપલાઈન પર આગ લગાવીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લડાખ ક્ષેત્રમાં હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન કોલ્ડવેવના કારણે જનજીવનને અસર થવાની શક્યતા છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં લદ્દાખ પ્રદેશમાં તાપમાન ખૂબ નીચે પહોંચી ગયું છે. સૌથી વધુ ઠંડીનો અનુભવ લદ્દાખ પ્રદેશમાં લેહ અને કારગીલમાં રહ્યો છે. લેહમાં તાપમાન માઈનસ ૧૦થી નીચે કારગીલમાં માઈનસ ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના મેદાની ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનિય ઘટાડો થતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાટનગર દિલ્લીમાં ધુમ્મસની ચાદર છવાઈ જવાની સાથે સાથે લઘુત્તમ તાપમાન પણ ઘટી ગયું છે. આવનાર દિવસોમાં ધુમ્મસ અને ઠંડીના લીધે લોકોને વધુ સાવધાન રહેવાની ફરજ પડી શકે છે. દિલ્હીમાં સ્મોગે પણ લોકોની મુશ્કેલી વધારી છે.