લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યા બાદ આવતીકાલ સોમવારના દિવસે સરકારની ત્રિપલ તલાકના મુદ્દે રાજ્યસભામાં અગ્નિપરીક્ષા થશે. શિયાળુ સત્રમાં ત્રિપલ તલાક બિલને પસાર કરવાને લઇને સરકાર માટે પ્રક્રિયા સરળ નથી. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કેતે ત્રિપલ તલાકને પસાર થવાની તક આપશે નહીં. રાજ્યસભામાં આવતીકાલે આને રજૂ કરવામાં આવનાર છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ ઉપલા ગૃહમાં આ બિલ રજૂ કરશે. આ બિલમાં કેટલીક જોગવાઈઓ રહેલી છે. પ્રસાદે કહ્યું છે કે, રાજ્યસભામાં આ બિલને ટેકો મળશે તેવી અમને આશા છે. રાજ્યસભામાં ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે સભ્યો ઓછા છે.
કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે માહિતી આપતા કહ્યું છે કે, પાર્ટી ગૃહમાં આ બિલને પસાર થવાથ રોકવા માટે અનેક પક્ષો સાથે હાથ મિલાવશે. ૧૦ વિરોધ પક્ષો આ બિલનો વિરોધ કરી ચુક્યા છે. સૌથી પહેલા કોંગ્રેસ પાર્ટીએ આની સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારની પાસે રાજ્યસભામાં બહુમતિ નથી. લોકસભામાં જે પાંચ પાર્ટીઓએ વિરોધ કર્યો હતો તેમાં તેમની સંખ્યા રાજ્યસભામાં ૧૩૪ થઇ જાય છે તો ૨૪૫ સભ્યો વાળા ગૃહમાં અડધાથી વધુ સંખ્યા છે. અન્નાદ્રમુક અને બીજેડી સહિતના કેટલાક પક્ષો જો વોકઆઉટ કરી જશે તો સરકાર આને પાસ કરાવી શકે છે. વિપક્ષનો પ્રસ્તાવ પસાર થઇ જશે તો આને તપાસ માટે મોકલવામાં આવશે. અન્નાદ્રમુકના સાંસદો ધાંધલ ધમાલ કરે અને શાસક પક્ષ પણ કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપ કરે અને ધાંધલ ધમાલ થાય અને કાર્યવાહી સ્થગિત થઇ જાય તેવી સંભાવના પણ રહેલી છે. રાજ્યસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી અન્નાદ્રમુકના સભ્યનું કહેવું છે કે, અમે આ બિલને આગળ મોકલવા માટે ઇચ્છુક છીએ. અલબત્ત વોટિંગને લઇને પણ હજુ કોઇ વાત કરવામાં આવી નથી. કોંગ્રેસે અગાઉ એનડીએ સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં લોકસભામાં ઉતાવળમાં ત્રિપલ તલાક બિલ પસાર કરવામાં આવ્યું છે. ત્રિપલ તલાક બિલમાં બંધારણની સામે જોગવાઈ રહેલી છે. મૂળભૂત અધિકારીઓનો પણ તેમાં ભંગ થાય છે. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું છે કે, આ ઐતિહાસિક બિલને રોકવાના પ્રયાસ કરનાર કોંગ્રેસની ગતિવિધિને દેશના લોકો ધ્યાનમાં લઇ રહ્યા છે.
જેના પરિણામ પણ કોંગ્રેસને ભોગવવાના રહેશે. અત્રે નોંધનીય છે કે, ગુરુવારના દિવસે ત્રિપલ તલાક બિલ ૨૦૧૮ લોકસભામાં પાસ થઇ ગયું હતું. હવે આવતીકાલે આને રાજ્યસભામાં મંજુરી માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જ ત્રિપલ તલાક કાનૂન બની શકશે. લોકસભામાં વર્તમાન ૨૫૬ સાંસદોમાંથી ૨૪૫ સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે ૧૧ સભ્યોએ વિરોધ કર્યો હતો. આની સાથે જ ગૃહમાં અસાસુદ્દીન ઓવૈસીએ ત્રણ સુધારા પ્રસ્તાવને પણ મંજુરી મળી ન હતી. અન્ય કેટલાક સુધારા પ્રસ્તાવને પણ મંજુરી મળી ન હતી. કોંગ્રેસ અને અન્નાદ્રમુકના સભ્યોએ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યો હતો. વોટિંગના ગાળા દરમિયાન ઉપસ્થિત રહ્યા ન હતા. સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ વોટિંગમાં ભાગ લીધો ન હતી. આવતીકાલે પણ કોંગ્રેસ પાર્ટી અને અન્ય પક્ષો આવું જ વલણ અપનાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વિરોધ પક્ષોની માંગ છે કે, આ બિલને સિલેક્ટ કમિટિને મોકલવામાં આવે તે જરૂરી છે. બંને ગૃહોની સંયુક્ત કમિટિને આ બિલ મોકલી દેવાની માંગ કરવામાં આવી છે. બિલમાં ચકાસણી થઇ શકે તેવી રજૂઆત કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. અન્ના દ્રમુક, ટીએમસી અને અન્યોએ પણ આવી જ રજૂઆત કરી છે. એનસીપી તરફથી પણ આવી જ માંગ કરવામાં આવી હતી.