ટીમ ઇન્ડિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હાર આપીને ઇતિહાસ સર્જી દીધો છે. પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં હાર આપી છે. જીતવા માટે ૩૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમ ૮૯.૩ ઓવરમાં ૨૬૧ રન કરીને આજે ઓલઆઉટ થઇ ગઈ હતી. તેના તરફથી પેટ કમિન્સે સૌથી વધુ ૬૩ રન બનાવ્યા હતા. ભારત માટે બજી ઇનિંગ્સમાં જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટો ઝડપી હતી જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ સામીએ બે-બે વિકેટ ઝડપી હતી. વરસાદના પરિણામ સ્વરુપે પાંચમાં દિવસે અઢી કલાક મોડેથી મેચ શરૂ થઇ હતી. એક વખતે ક્રિકેટ ચાહકોમાં ચિંતા પ્રવર્તી રહી હતી પરંતુ આખરે આ મેચમાં રમત શરૂ થતાં ભારતે જીત મેળવી હતી. આજે બાકી રહેલી ઔપચારિકતા ભારતે ઝડપથી પુરી કરી હતી. પ્રવાસી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં અગાઉ સાત બોક્સિંગ ડે ટેસ્ટનો હિસ્સો રહી છે જેમાં પાંચમાં તેની હાર થઇ છે અને બે ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જીત હાસલ કરવા માટે ભારતીય ટીમને ૩૭ વર્ષનો ઇંતજાર કરવાની ફરજ પડી હતી. ભારતે આ મેદાન ઉપર છેલ્લે ૧૯૮૮માં જીત હાસલ કરી હતી. બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની આ ૧૫૦મી જીત હતી. ભારતીય ટીમે બંને ઇનિંગ્સ ડિકલેર કરીને વિદેશમાં ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ કર્યો હતો. આ અગાઉ ૨૦૦૪માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ૭ વિકેટે ૭૦૫ અને બે વિકેટે ૨૧૧ રન દાવ ડિસલેર કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે બીજી ઇનિંગ્સ આઠ વિકેટે ૧૦૬ રને ડિકલેર કરી દીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત માટે ૩૯૯ રનનો પડકાર આવ્યો હતો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન પુછડિયા બેટ્સમેનોએ ભારતની જીત આડે અડચણો ઉભી કરી હતી.
નાથન લિયોન અને કમિન્સે ભારત આડે અડચણો ઉભી કરી હતી. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે ૨૫૮ રન કર્યા હતા. આજે આગળ રમતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો વધારે સમય સુધી ટકી શક્યા ન હતા. પેટ કમિન્સ અને લિયોન બાદ વરસાદ અને ખરાબ હવામાનના લીધે પણ ભારતીય ટીમને રાહ જોવાની ફરજ પડી હતી. પાંચમાં દિવસે અઢી કલાક મોડેથી મેચ શરૂ થઇ હતી. મેચ માત્ર ૩૭ બોલમાં જ ખતમ થઇ ગઇ હતી. જસપ્રિત બુમરાહે ચોથા દિવસે પેટ કમિન્સને આઉટ કરીને ભારતની જીત નક્કી કરી દીધી હતી. આ ટેસ્ટ મેચ જીતીને ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની પર્થ ટેસ્ટમાં હાર થઇ હતી જ્યારે તે પહેલા રમાયેલી એડિલેડ ટેસ્ટ મેચમાં જીત થઇ હતી.