ગુજરાતમાં કોંગ્રેસને પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે. એક તો સત્તા નથી મળી રહી ને બીજી બાજુ પાર્ટીનો આંતરિક ડખ્ખો ખુલ્લીને સામે આવી રહ્યો છે. એક તરફ લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી છે ત્યાં ફરી કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો નારાજ છે. પોતાની ફરિયાદ લઇને તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે.રવિવારે દક્ષિણ ગુજરાત કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આ પહેલા સુરત કોંગ્રેસના એક ડઝનથી વધારે પદાધિકારીઓએ રાજીનામું આપી દેતા ખભળાટ મચી જવા પામ્યો હતો. નારાજ હોદ્દેદારોનો આક્ષેપ છે કે સંગઠનનું માળખું રચવામાં ભેદભાવ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો પર આંગળીઓ ચિંધાઇ છે. દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા સંજય પટવા સમગ્ર મામલે હાઇકમાન્ડને રજૂઆત કરશે, જેમાં તેઓ હાઇકમાન્ડને જણાવશે કે યોગ્ય લોકોને સંગછનમાં પદથી દૂર રાખવામાં આવ્યા છે.
હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે એક બેઠક મળી હતી, આ બેઠકમાં આંતરિક ઠખ્ખો દૂર કરવા માટે ચર્ચાઓ થઇ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ૧૭ જેટલા ટોચના નેતાઓએ બેઠક કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પ્રદેશ ધાનાણી સામે ભેદભાવનો આરોપ લાગ્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ છે.