સાચા અર્થમાં સામાજિક – આધ્યત્મિક ક્રાંતિના પક્ષધર મોરારીબાપુએ રામકથા જેમને કેન્દ્રમાં રાખીને કરી, તે ગણિકાઓને દિકરી તરીકે સ્વીકારી, કથા ગાન સંભળાવ્યું એ તો ભારતીય ઇતિહાસમાં એક અલગ પૃષ્ઠ રૂપે આલેખાશે જ, પણ બાપુ જે કાર્ય હાથ પર લે છે, તેને સંપુરણ કરે છે એ સાબિત કરતી ઘટના આજે કથા વિરામ સમયે દુનિયાને જોવા-જણવાં મળી. કથા પ્રારંભે યજમાન પરિવારની કન્યા કે ગૃહલક્ષ્મી દ્વારા મસ્તકે પોથી ધારણ કરી, શોભાયાત્રા બાદ વ્યાસપીઠ પર પધરાવાય છે. એ જ રીતે કથા વિરામ પામે ત્યારે હનુમાનજીને વિદાય અપાયા પછી ફરી એ જ રીતે પોથીજીને શિર પર ધારણ કરવામાં આવે છે. આ લ્હાવો અમૂલ્ય ગણાય છે. બાપુએ આજે પુનઃ ગણિકા દીકરીઓને વ્યાસપીઠ પર બોલાવી, આરતીનો લાભ આપ્યા બાદ પોથીજીને ગણિકાઓનાં મસ્તક પર મુકાવી,તેમના જીવતરને ધન્ય કરી બતાવ્યું. બાપુએ ખરેખર બાપ બની ને સમાજની ઉપેક્ષિતા નારીઓને સાચા અર્થમાં સન્માનિત કરી છે.