માનવી પોતાના સર્જક એવા પાંચ તત્વો પૃથ્વી, આકાશ, જળ, પવન અને અગ્નિને પોતાના વિકાસ અર્થે પ્રદુષિત કરતો જાય છે. જેના દુષ્પરિણામો સમગ્ર સજીવસૃષ્ટિ અનુભવી રહી છે. લોકો વિધાર્થીકાળમાં જ આ તત્વોનું મહત્વ સમજે તેવા હેતુથી વિજ્ઞાન પ્રસાર નેટવર્ક દ્વારા વિપનેટ ક્લબની રચના કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રસાર દ્વારા તેની સાથે જોડાયેલ ક્લબોને પ્રવૃતિના આધારે પ્લેટીનમ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં ૨૦ હજારથી વધુ ક્લબો આ નેટવર્ક સાથે જોડાયેલ હતી. જેમાંથી પ્રવૃતિના આધારે ગુજરાત, હરિયાણા અને ઝારખંડ રાજ્યોને પ્લેટીનમ ક્લબ તરીકે જાહેર કરવામાંઆવ્યા હતા. ગુજરાત રાજ્યમાં વિપનેટ સાથે જોડાયેલ ક્લ્બોમાંથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પ્લેટીનમ ક્લબ તરીકે પસંદગી પામેલ છે.
પ્લેટીનમ ક્લબમાં પસંદગી પામેલ ક્લબો માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ માટે મંજુરી આપવામાં આવેલ. જે અંતર્ગત આજે ‘ટકાઉ ટેકનોલોજી આપણું ભવિષ્ય’ મુખ્ય વિષય તથા ઇકોસીસ્ટમ અને ઇકોસીસ્ટમ સેવાઓ, બ્રહ્માંડ- રહસ્યોનો સમૂહ અને નેનો ટેકોનોલોજી પેટા વિષય આધારિત એક દિવસીય રાજ્ય કક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.
આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ભારતભાઈ પાઠક, ડો. સંદીપ કુમાર, ડો. અતિન્દ્ર શુક્લા, ડો. ભારતસિંહ ગોહિલ, ડૉ. બ્રિજમોહન ઠાકોર, ડૉ. હિતેશ શાહ, ડૉ. સુભાષ મહેતા વગેરેએ એમના વિષયો પર ઊંડાણપૂર્વકની માહિતી આપેલ.
આ રાજ્ય કક્ષાની કાર્યશાળામાં ભાગલેનાર તથા તજજ્ઞો સાથે કુલ ૮૫ લોકો એ ભાગ લીધો હતો, જેમને ગીરના સિંહ વિશેની માહિતી સભર એક પુસ્તિકા તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.