સમાજને બદલવાનું કાર્ય યુનિ.ના માધ્યમથી શકય બનશે – રાજયપાલ

1063

આજે રાજ્યપાલ અને કુલાધિપતિ ઓ. પી. કોહલીના અધ્યક્ષસ્થાને મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા અટલ ઓડિટોરીયમ ખાતે પાંચમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં  રાજ્યપાલના હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે ૩૧૮ ડીગ્રીધારકો પદવી તથા ૪૯ ને પારિતોષિકો આપવામા આવ્યા હતા. કુલ ૮૧૬૦ વિધાર્થીઓને ડીગ્રી તથા ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ અને કુલાધિપતિ ઓ. પી. કોહલીએ આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યુ હતું કે પદવીધારકોને પદવી મળ્યા બાદ ધંધા, રોજગાર માટે પ્રામાણિક પ્રયત્ન કરે તે જરૂરી છે યુનિવર્સિટીનું કામ જ્ઞાન આપવાની સાથે જ્ઞાનનું સર્જન કરવાનું છે મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી શોધ અને શિક્ષણમાં આગળ વધી રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી એ દેશ આઝાદ થયા પછી કહ્યુ હતું કે દેશને ખરા અર્થમાં આઝાદી ત્યારે જ મળી ગણાશે જ્યારે દેશમાંથી નિર્ધનતા, નિરક્ષરતા, વિષમતા દૂર થશે અને આજના યુવાનો દેશમાંથી નિર્ધનતા, નિરક્ષરતા, વિષમતા દૂર કરવા માટે હરહંમેશ તત્પર રહે તે સમયની માંગ છે. બૌદ્ધિક શક્તિ, વ્યાપારિક શક્તિ, સંવેદનાત્મક શક્તિના સમન્વયથી જ યુવાનો સંપૂર્ણ પ્રગતિ કરી શકે. ધર્મ અને નિતિ આધારિત વ્યવસ્થા હોય તો જ સમજનો સર્વાંગી વિકાસ શક્ય બને અને તે માટે યુનિવર્સિટીનું યોગદાન મહત્વપુર્ણ પૂરવાર થતુ હોય છે. સમાજને બદલવાનું અને નવા ભારતના નિર્માણનું કાર્ય યુનિવર્સિટીના માધ્યમથી શક્ય બનશે તેવી પણ તેમણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. દેશમાં ૮૦૦ યુનિવર્સિટી કાર્યરત છે તેમાં ૪૦ લાખ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં આપણી પરંપરાનું જતન કરવાથી સંસ્કારી સમાજ ઉભો થાય છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે છોટે મન સે કોઈ બડા નહિ હો સકતા ટૂટે મન સે કોઈ ખડા નહિ હો સકતા તેમ કહી મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીના મોટા મન અને અતુટ મન નું  દ્રષ્ટાંત આપી તેમના ઉદાર સ્વભાવની  મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

રાજસ્થાન રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના પૂર્વ અધ્યક્ષા મનનબેન ચાતુર્વેદીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવુ હશે તો દેશના હર એક પગભર થયેલ યુવાન એ રસ્તા ઉપર જીવતા રહેલાં બાળકના તમામ પ્રકારના સંરક્ષણની જવાબદારી ઉપાડી લેવી જોઈએ એક પગભર થયેલ યુવાન એક બાળકની જવાબદારી લેશે તો દેશમાં રસ્તા પર રહેતાં કરોડો બાળકોનું ભવિષ્ય સુંદર બનશે.

આ કાર્યક્રમમાં કાર્યકારી કુલપતિ ગીરીશભાઈ પટેલ, કુલસચિવ ડો. ભટ્ટ, મેયર મનહરભાઈ મોરી,નાયબ મેયર અશોક બારૈયા, સ્થાયી સમિતિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ, રજીસ્ટ્રાર કૌશિક ભટ્ટ,નાયબ રજીસ્ટ્રાર ભાવેશ જાની, કોલેજના પ્રિન્સીપાલો, પ્રોફેસરો, ડીગ્રીધારક વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Previous articleટેમ્પાએ ટક્કર મારતા બાઈક સવાર દંપતિનું સ્થળ પર મોત
Next articleતા.૩૧-૧૧-ર૦૧૮ થી ૦૫-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય