માહિતી નિયામક કચેરીની ન્યુઝ એન્ડ મીડિયા રિલેશન શાખાના સિનીયર મૂવી કેમેરામેન વિનોદ મોદી ૩૧ વર્ષની સુદીર્ઘ સેવા બાદ વયનિવૃત્ત થતા તેમને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માહિતી નિયામક અશોક કાલરિયાએ માહિતીખાતાની સમાચાર કામગીરીમાં મૂવી કેમેરામેનના કામની મહત્તા વર્ણવી, મોદીની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારની કામગીરીને દશ્ય-શ્રાવ્ય માધ્યમમાં કંડારી, રજૂ કરવી ખરા અર્થમાં કપરી કામગીરી છે.
મોદીએ પરંપરાગત મૂવી કેમેરાથી માંડીને નાનકડા ડિજીટલ કેમેરાને ઓપરેટર કરી શ્રેષ્ઠ કામગીરી બજાવી છે. જેની નિયામકે પણ નોંધ લીધી હતી. અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલે મૂવી કેમેરામેન તરીકેની દિર્ઘકાલીન કામગીરીના સંસ્મરણો વાગોળી જણાવ્યું હતું કે, માહિતીખાતાની કામગીરીમાં સમયસૂચકતા અને કાર્યદક્ષતા જરૂરી હોય છે. મોદીએ તેમની કારકિર્દીમાં તેમના આ ગુણોના સહારે સફળતા મેળવી છે.
આ પ્રસંગે હિસાબી અધિકારી રાજેશ વોરાથી લઈને સૌ સાથી કર્મચારીઓએ મોદી સાથેના સેવાકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશ દવેએ કર્યું હતું.