સોલા ખાતે એક ટ્રેઇની PSIએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધાનો બનાવ બન્યો છે. મળતી વિગતો મુજબ સોલા હાઇકોર્ટ પાસે રાજયોગ રૉ હાઉસમાં રહેતા દેવેન્દ્રસિંહ રાઠોડ નામના એક ટ્રેઇની PSIએ આજે બપોરે લગભગ એક વાગ્યે પોતાની હડપચી નીચે રિવોલ્વર વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના પત્ની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતાં ત્યાં તેમને ઉપરના માળેથી ફાયરિંગનો અવાજ સંભળાતા જઇને જોયું તો તેમના પતિએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
મરનાર દેવેન્દ્રસિંહ રાઠોડની ગાંધીનગરના કરાઇ ખાતે PSIની ટ્રેનિંગ ચાલી રહી હતી. આત્મહત્યા માટે તેમણે ખાનગી રિવોલ્વોરની મદદ લીધી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક દેવેન્દ્રસિંહ રાઠોડ, તેમના પત્ની, તેમની બે વર્ષની બાળકી અને ભાઇભાભી સાથે રાજયોગ રૉ હાઉસમાં રહેતા હતાં. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે અંગે તપાસ ચાલુ છે.