પાટનગરમાં શનિવારે ૭.૬ ડિગ્રી ઠંડી નોંધાયા બાદ રવિવારે ઠંડીમાં વધારો થયો હતો અને રાત્રીનું તાપમાન ૭.૫ ડિગ્રી નોંધાયુ હતુ. લઘુત્તમ તાપમાન યથાવત જેવું રહેવાની સાથે દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સાથે રવિવારે મહત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી રહેતા દિવસે ઠંડીમાં થોડી રાહત રહી હતી.
રાત્રીનુ તાપમાન યથાવત રહેતા લોકોએ હજુ ઠંડી સહન કરવી પડશે. સવારના સમયે જળવાઈ રહેતા ભેજથી ઠંડી વધશે તેવું લાગે છે. શિયાળુ માહોલમાં આકાશમાં વાદળા ઘેરાય ત્યારે તો જે રાબેતા મુજબનું તાપમાન હોય તે રહે છે. પરંતુ હાલમાં ચાર દિવસથી ગાંધીનગરમાં કોલ્ડવેવની શરૂઆત થઇ છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનું જોર વધ્યું છે. જમ્મૂ-કશ્મીર અને હિમાચલ તેમજ ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે.તો બીજી બાજુ હિમવર્ષાને પગલે દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને છેક ગુજરાત સુધી તેની અસર થઈ રહી છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ૩ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. અહીં તાપમાનનો પારો ગગડીને ૬ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ડીસા, અંબાજીમાં પણ પારો ૯ ડિગ્રી સુધી ગગડ્યો છે.તો આ તરફ વડોદરામાં પણ ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ઠંડીથી લોકો ઠુંઠવાઈ ગયા છે. અમરેલીમાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભાવનગરમાં પણ તાપમાન નીચું ગયું છે.
અહીં ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું છે. તો આ તરફ ઈડર, અમદાવાદ અને ભુજમાં તાપમાન ૧૧ ડિગ્રી સુધી ગગડી ગયું છે. અમદાવાદમાં રાત્રી દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને લોકોને ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.