જીવનની સંધ્યાના ઉંબરે ઊભેલા એક પ્રતિષ્ઠિત વેપારીની આ વાત છે. ગામડા ગામમાં વ્રજલાલ ખાદ્ય તેલ કાઢવાની મોટી મીલ ચલાવતા હતા. તેમને બે દીકરા હતા. મોટો દીકરો લંડનમાં અભ્યાસ કરવા ગયો હતો. નાનો દીકરો છેલ્લા પાંચ સાત વર્ષથી ગંભીર બીમારીમાં પટકાયો હતો. વ્રજલાલને તેની ચિંતા સતાવતી હતી. દેશ-પરદેશના હકીમો અને ડૉક્ટરોને તેની સારવાર કરવામાં કોઈ સફળતા મળતી ન હતી. વ્રજલાલ આનાથી ભારે દુઃખી અને ચિંતાતુર રહેતા હતા. ઘરમાં જાત-જાતની અને ભાત-ભાતની ઔષધિઓ અને એન્ટિબાયોટિક દવાઓનો મોટો જથ્થો જમા રહેતો હતો.
આ નાનકડા ગામડા ગામમાં બીજી તરફ આધેડ અવસ્થાએ પહોંચેલા પ્રવીણભાઈના પત્ની પ્રતીક્ષાબેન અચાનક બીમાર થવાના કારણે ડૉક્ટરી તપાસ કરાવી, પ્રવીણભાઈ ડૉક્ટરે લખી આપેલા પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાની ખરીદીની તજવીજમાં હતા; એટલે કે જરૂરી દવાઓની ખરીદી કરવા માટે નાણાં મેળવવાની તેઓ દોડધામમાં હતા. પરંતુ પ્રવીણભાઈને કોઈ નાણાં ધીરવા તૈયાર થતું નહોતું. પત્નીનો જીવ જોખમમાં હતો. વ્રજલાલને આ વાતની ખબર પડતા પોતાના ઘરમાં પડી રહેલી દવાનો જથ્થો લઈ પ્રવીણભાઈના ઘરે વ્રજલાલ આવી પહોંચે છે. તેઓ ડૉક્ટરના લખાયેલા પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાની યાદી ચેક કરી જરૂરિયાત મુજબની દવાઓ અલગ કરી પ્રવીણભાઈના હાથમાં મૂકે છે અને પ્રવીણભાઈને કહે છેઃ ’આ સઘળી દવાના નાણાં તમારે ચૂકવવાની જરૂર નથી. ડૉક્ટરના અભિપ્રાય મુજબ વધુ અન્ય દવાની જરૂર પડે તો પણ મારા ઘરમાં દવાનો ઘણો મોટો જથ્થો પડેલો છે તેમાંથી તમારી જરૂરિયાત મુજબની વધુ દવાઓ જેમ જેમ જરૂર પડશે તેમ તમને હું પહોંચતી કરીશ. તમારી પત્નીની સારવાર સારી રીતે થાય તેવો હું પ્રયત્ન કરીશ. આ માટે દવાની ખરીદી કરવી પડે તો પણ તેમનો સઘળો ખર્ચ હું મારા શિરે ઉઠાવીશ. કારણ કે છેલ્લા સાતેક વર્ષથી મારો પુત્ર ગંભીર બીમારીથી પીડાય છે. તેને કોઇ દવા કે ઔષધિ તેની બીમારીમાંથી બહાર લાવી શકે તેવું એક પણ એંધાણ દેખાયું નથી. તેમ છતાં વર્ષોથી દવા અને ઔષધિ પાછળ હજારો રૂપિયાનો નાણાનો ખર્ચ કરી પુત્રની જિંદગી માટે અઢળક નાણાં વાપર્યા છે તે દવા તમારા પત્ની પ્રતીક્ષાબેનનો જીવ બચાવવામાં ઉપયોગમાં આવશે, તો તેનો અમારા પરિવારને પણ આનંદ થશે.’ તેમ કહી વ્રજલાલ ત્યાંથી વિદાય થાય છે.
ગુજરાતીમાં કહેવાય છે – ઘાયલ કી ગત ઘાયલ જાણે’ પોતાનો પુત્ર છેલ્લા સાત વર્ષથી ગંભીર બીમારીના કારણે જીવન-મરણ વચ્ચે સંતાકૂકડી રમી રહ્યો હતો. તેથી વૃજલાલ પ્રતીક્ષાબેનનું દર્દ જાણી શક્યા. તેની સમસ્યા, મુશ્કેલી તેને પોતીકી લાગી એટલે જ કદાચ તેઓ ઘરમાં પડી રહેલો દવાનો સઘળો જથ્થો ઘણો કીમતી હોવા છતાં દોડતા લઈ આવ્યા એટલું જ નહીં, તેના નાણાં પ્રવીણભાઈ પાસેથી વસૂલ નહીં કરવા પોતાનું મન મનાવી શક્યા. વધુમાં વ્રજલાલે પ્રવીણભાઈને ખાતરી પણ આપી કે-પ્રતીક્ષાબેનની સારવાર માટે ડૉક્ટરની સલાહ મુજબ કોઈ દવા ખરીદવાની જરૂર પડશે તો તેનો સઘળો ખર્ચ પોતે ઉઠાવશે. વ્રજલાલની આ સંવેદનશીલતા પોતે ભોગવેલા કે અનુભવેલાં દુઃખના કારણે નીપજેલી મહામૂલી સંવેદના લેખી શકાય. જેને સરિતાનું સ્વરૂપ આપી વ્રજલાલ પોતાની ઉદારતાપૂર્વક પ્રતીક્ષાબેનની સારવારમાં શક્ય તેટલી મદદ કરવા જે રીતે આગળ આવ્યા તે જ સમાજ રચનાની ખરી નીવ છે. જેના વડે સમાજ મજબૂતાઈપૂર્વક ટકતો હોય છે. આ વાત અર્વાચીન સમય પૂરતી મર્યાદિત નથી. પુરાણોમાં પણ માનવ કલ્યાણના ઉમદા હેતુસર આવા અનેક લોકો દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદના આપણને જાણવા અને જોવા મળે છે.
ઇતિહાસમાં ડોકિયું કરતા આવી જ એક ઘટના પ્રાચીનકાળમાં અનલાસૂર નામનો એક રાક્ષસ થવાના કારણે ઘટી હતી. ધર્મ અન્યના જીવને સાંત્વના આપી તેનું રક્ષણ કરવા કહે છે. પરંતુ અનલાસૂર નામનો રાક્ષસ પૃથ્વી પર માનવો અને દેવલોકના દેવો માટે પણ ત્રાસદાયક પુરવાર થયો હતો. તેનાથી દેવો અને માનવો થાક્યા હતા. અનલાસૂર સામાન્ય લોકો, ઋષિમૂનિ અને દેવતાઓ સહિત સૌ કોઈને જીવતા ગળી જતો હતો. રાક્ષસથી ત્રાસીને દેવરાજ ઇન્દ્ર અને બધા દેવી-દેવતા તથા પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પ્રાર્થના કરવા પહોંચે છે. બધાએ શિવજીને અનલાસૂરના ત્રાસની વાત કરી અને તેના આતંકનો નાશ કરવા કૃપા કરવા કહ્યું. શિવજીએ દરેક દેવી-દેવતાઓની વાત સાંભળી તેમને જણાવ્યું કેઃ ’આ રાક્ષસનો નાશ માત્ર ગણેશ જ કરી શકશે.’ ત્યાંથી સૌ કોઈ ભગવાન ગણેશના ચરણે ગયા અને તેમને અનલાસૂર રાક્ષસના ત્રાસમાંથી બચાવવા વિનંતી કરી. મહાદેવના પુત્ર ભગવાન ગણેશે સૌની વિનંતિ સાંભળી, રાક્ષસ અનલાસૂરને પકડી લીધો. તેમ છતાં, તે શાંત ન થયો. તેમણે પોતાનું તોફાન વધાર્યું. અગ્નિની જ્વાળા વરસાવવા લાગ્યો. ભગવાન ગણેશ કંટાળ્યા. તેઓ રાક્ષસને આખેઆખો ગળી ગયા. થોડી જ વારમાં ભગવાન ગણેશના પેટમાં ભારે બળતરા થવા લાગી. અનેક ઉપાયો કર્યા પરંતુ બળતરા શાંત થવાનું નામ લેતી નહોતી. ત્યારે ભગવાન ગણેશે કશ્યપ ઋષિને તેનો ઉપાય પૂછ્યો. કશ્યપ ઋષિએ ૨૧ ગાંઠ બાંધીને ધરો ગણેશને ખાવા માટે આપી. તે ખાવાથી ગણેશજીના પેટમાં શાંતિ થઈ. બળતરામાં રાહત થવા લાગી, ત્યારથી જ ગણેશજીને ધરો ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે. જે આજે પણ યથાવત છે. ધરો શરીર માટે ઔષધિનું કામ કરે છે. તેનો ઉપયોગ પૂજાની સામગ્રીમાં પણ થાય છે. આમ તો ઘાસ જેવી જોવા મળતી ધરો એક એવી વનસ્પતિ છે જે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ ધાર્મિક પૂજા કે શુભ પ્રસંગે કામમાં લેવાય છે. વિધિ માટે પણ તેને પવિત્ર માનવામાં આવી છે. આ પવિત્ર અને અમૂલ્ય વનસ્પતિના એક એક તાંતણા સંવેદનાની સરિતાની માફક ધર્મધારામાં ધારારૂપ ધરતીના કલ્યાણ માટે નંદનવન સર્જવા આગેકૂચ કરે છે. ધરો પૃથ્વીને ધારણ કરવાનું કામ કરે છે કારણકે તે અતિવૃષ્ટિમાં ધરતીનું ધોવાણ અટકાવે છે. તે ધરતીની ફળદ્રુપતામાં વૃદ્ધિ પણ કરે છે. જે રીતે વ્રજલાલે સમાજરૂપી ધરતીના ધોવાણને અટકાવી કોઈની જિંદગી માટે પોતાની પાસે પડેલી ઔષધિ અને દવાઓનો જથ્થો અર્પણ કર્યો. પારિવારિક કે લોહીના સબંધોની પેલે પાર જઈ જે હૃદયની સદ્દભાવના દાખવે છે, તે જ ખરો સંવેદનાનો પ્રહરી છે. જેને નાતે નેડો નથી છતાં પોતાની માનવતાને ખાતર અન્યની જિંદગી માટે પોતાનું દુઃખ થોડીવાર બાજુ પર મૂકી પોતાની પાસે જે છે તે અર્પણ કરવા તૈયાર થઈ જાય છે, તે જ છે ખરો સંવેદનાનો સારથિ.
જ્યારે ભગવાન ગણેશના પેટમાં રાક્ષસ અનલાસૂર ગળવાના કારણે ભારે બળતરા ઊપડી ત્યારે ઋષિ કશ્યપે ૨૧ ગાંઠ વાળી ધરો નામનું ઘાસ ભગવાન ગણેશને આરોગવા આપ્યું. તે આરોગવાથી ભગવાન ગણેશના પેટમાં ટાઢક વળી. તેને શાંતિનો અનુભવ થવા લાગ્યો કારણ કે – ધરો એક એવી વનસ્પતિ છે જેણે પૃથ્વીમાતાના આલિંગનથી મહામૂલી સંવેદના મેળવી છે. આ એવું સત્ત્વ છે કે જેના વડે પૃથ્વીની ફળદ્રુપતા વધે છે. છૂટા પડતા માટીના કણોને તે પોતાના મૂળ વાટે સંગઠિત કરે છે. ધરો જ્યાં ફેલાય છે ત્યાં માટીના પ્રત્યેક કણો એકમેક સાથે જોડાય છે. તેથી તેને આપોઆપ સંવેદનારૂપી ઊર્જાશક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિ ભગવાન ગણેશના પેટમાં ઊપડેલી આગને પણ શાંત કરી દે છે. જે અન્યના કામમાં પોતાનું સર્વસ્વ હોમે છે તે જ દુઃખરૂપી દાવાનળને ભભકતો અટકાવી શકે છે. જે રીતે વૃજલાલે પ્રતીક્ષાબેનના મૃત્યુને અટકાવ્યું. જે રીતે ધરોએ ભગવાન ગણેશની આગ અટકાવી અને જે રીતે ભગવાન ગણેશે સૃષ્ટિના લોકોને અનલાસૂરના ત્રાસમાંથી ઉગારી તેની બરબાદીને અટકાવવાનું કામ કર્યું તેમ સૃષ્ટિ નિર્માણ માટે સૌ – કોઈ વેદનાના વેરાન પ્રદેશમાં સંવેદનાની સરિતા વહેવડાવશે ત્યારે જ ખરું સુખનું સામ્રાજ્ય સ્થપાશે.