ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ધમકી આપી છે કે જો અમેરિકા પ્રતિબંધ દ્વારા દબાણ કરવાનું ચાલુ રાખશે તો ઉત્તર કોરિયા પોતાનું વલણ બદલવા પર વિચાર કરી શકે છે. કિમે મંગળવારે પોતાના નવા વર્ષના સંબોધનમાં આ વાત કરી. કિમે કહ્યું કે અમેરિકાએ જો દુનિયા સામે આપેલા વચનોને પૂરા ન કર્યાં અને અમારા દેશ વિરુદ્ધ પ્રતિબંધ અને દબાણ વધારતું રહ્યું. તો અમારી પાસે અમારી સંપ્રભુતા તથા હિતોની રક્ષા માટે કોઈ નવો રસ્તો શોધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. ઉત્તર કોરિયાઈ નેતાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સિંગાપુરમાં ગત જૂન મહિનામાં થયેલી શિખર વાર્તાનો હવાલો આપતા કહ્યું કે વાતચીત સફળ રહી અને રચનાત્મક વિચારોનું આદાનપ્રદાન થયું.
તે દરમિયાન બંને નેતાઓએ કોરિયાઈ પ્રાયદ્વિપના પરમાણુ નિરસ્ત્રીકરણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. પરંતુ વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે તેના વાસ્તવિક અર્થને લઈને ચાલી રહેલી ચર્ચાને કારણે તે ખોરંભે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલ ૧ર જૂનના રોજ ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં પ્રથમ વખત શાંતિ મંત્રણા થઇ હતી અને તેમાં એવી સંમતિ સધાઇ હતી કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમને બ્રેક મારી દેશે.
બંને નેતાઓની ચર્ચા બાદ ઉત્તર કોરિયાએ એક પણ મિસાઇલનું પરીક્ષણ કર્યું નથી તેમ છતાં અમેરિકાએ ઉત્તર કોરિયાને પોતાના પ્રતિબંધમાંથી કોઇ રાહત આપી નથી. કિમ જોંગ ઉને રાષ્ટના ટેલિવિઝન પર જણાવ્યું હતું કે જો અમેરિકા દુનિયાની સામે આવીને પ્રતિબંધ હટાવવાનું પોતાનું વચન પાલન કરશે નહીં અને અમારા પર દબાણ બનાવવાનું ચાલુ રાખશે તો અમારે બીજો માર્ગ અપનાવવો પડશે. રાષ્ટ્રહિત અને સાર્વભૌમત્વ માટે આ જરૂરી છે.
ઉત્તર કોરિયા પર સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અનેક પ્રતિબંધો લગાવાયા છે. જેમાં પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ હથિયારોના કાર્યક્રમો પર પ્રતિબંધ લાગ્યો છે. કિમે કહ્યું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ગમે ત્યારે વાતચીત કરવા તૈયાર છું અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સ્વીકાર્ય પરિણામો કાઢવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું.
તેમણે સાથે સાથે કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ હવે જોઈન્ટ સૈન્ય અભ્યાસ પણ બંધ કરવો જોઈએ. સિયોલ અને વોશિંગ્ટન વચ્ચે એક સુરક્ષા સંધિ છે અને અમેરિકાએ દક્ષિણ કોરિયાને પાડોશી દેશથી સુરક્ષા પ્રદાન કરવા માટે પોતાના ૨૮,૫૦૦ સૈનિકો ત્યાં કહેનાત કરી રાખ્યા છે.